India vs New Zealand Hockey World Cup 2023 Match: હોકી વર્લ્ડ કપ 2023ના ક્રોસઓવર મુકાબલામાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો છે. આ સાથે જ ભારતના વર્લ્ડ કપ અભિયાનનો અંત આવ્યો છે. ફૂલટાઇમ સુધી સ્કોર 3-3થી બરાબરી પર રહેતા મેચ પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચી હતી. પેનલ્ટીમાં પણ મુકાબલો બરાબરી પર રહ્યો હતો. જેથી સડેન ડેથમાં નિર્ણય કરાયો હતો. જેમાં ભારત તરફથી શમશેર સિંહ ગોલ ચૂકી ગયો હતો. આ રીતે પેનલ્ટી શૂટઆઉટમાં ભારતનો 4-5થી પરાજચ થયો હતો. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
લલિત ઉપાધ્યાયે 17મી મિનિટે કર્યો પ્રથમ ગોલ
લલિત ઉપાધ્યાયે ભારતને પ્રથમ લીડ અપાવી હતી. મેચની 17મી મિનિટમાં લલિત ઉપાધ્યાયે ગોલ કર્યો હતો. આકાશદીપ સિંહ અને શમશેર સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીઓને ચકમો આપ્યો હતો. આ પછી શમશેરે લલિતને પાસ કર્યો અને તેણે ગોલ કર્યો હતો.
સુખજીત સિંહે કારકિર્દીનો પ્રથમ ગોલ કર્યો
24મી મિનિટે ભારતને પાંચમી પેનલ્ટી મળી હતી. જેમાં સુખજીત સિંહે કારકિર્દીનો પ્રથમ ગોલ કર્યો હતો. આ સાથે ભારતે 2-0થી લીડ બનાવી હતી. ન્યૂઝીલેન્ડે 28મી મિનિટે પ્રથમ ગોલ કર્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી સૈમ લેને ગોલ કર્યો હતો. ત્રણેય ગોલ બીજા ક્વાર્ટરમાં થયા છે.
નિર્ધારિત સમયમાં સ્કોર 3-3થી બરાબરી પર
ભારતને 40 મિનિટની રમત પછી એક પછી એક બે પેનલ્ટી મળી હતી. વરુણ કુમારે આઠમી પેનલ્ટીને ગોલમાં ફેરવી ભારતને 3-1થી લીડ અપાવી હતી. આ પછી ન્યૂઝીલેન્ડે શાનદાર વાપસી કરી હતી. 43મી મિનિટે કેન રસેલે અને 49મી મિનિટે સીન ફિંડલે પેનલ્ટીમાં ગોલ કરીને સ્કોર 3-3થી બરાબરી પર લાવી દીધો હતો.
આ પણ વાંચો – ખેતરમાં કામ કર્યું, ફાનસ ખરીદવાના પૈસા ન હતા, હવે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા મેદાનમાં ઊતરશે નીલમ ખેસ
મલેશિયાને હરાવી સ્પેન ક્વાર્ટર ફાઇનલમાં
હોકી વર્લ્ડ કપ 2023ના પ્રથમ ક્રોસઓવર મુકાબલામાં મલેશિયા અને સ્પેન ટકરાયા હતા. નિર્ધારિત સમયમાં સ્કોર 2-2થી બરાબર રહેતા મુકાબલો પેનલ્ટી શૂટ આઉટમાં પહોંચ્યો હતો. જ્યાં બન્ને ટીમોનો સ્કોર 3-3થી બરાબરી પર રહ્યો હતો. આ પછી સડેન ડેથ શરુ થયું. જેમાં એકપણ તક ચુકનાર ટીમ મુકાબલામાં હારી જાય છે. સ્પેને પ્રથમ તકમાં ગોલ કર્યો હતો જ્યારે મલેશિયા ગોલ કરી શક્યું ન હતું. આમ સ્પેનનો પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી વિજય થયો હતો. 24 જાન્યુઆરીએ સ્પેન ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.