Ibrahim Zadran world record: અફઘાનિસ્તાનના ઓપનર બેટ્સમેન ઇબ્રાહિમ ઝાદરાન એ પોતાની વિસ્ફોટક બેટિંગથી ચેમ્પિયન્સ ટ્રોફીના ઘણા રેકોર્ડ તોડી નાંખ્યા છે. ઇબ્રાહિમ ઝાદરાન ની વિસ્ફોટક બેટિંગ સામે ઇંગ્લિશ ટીમનું બોલિંગ આક્રમણ મજાક બની ગયું હતું. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઝદરાને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. અફઘાન બેટ્સમેને 146 બોલનો સામનો કરીને 177 રનની યાદગાર ઇનિંગ રમી છે. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 12 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. ઝદરાન ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન બની ગયો છે. આ સાથે ઝદરાન વનડેમાં અફઘાનિસ્તાન માટે સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન પણ બની ગયો છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની સૌથી મોટી ઇનિંગ્સ
ઈંગ્લેન્ડ સામેની મેચમાં ઇબ્રાહિમ ઝાદરાન એ પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાનું ધ્યાન ખેંચી લીધું છે. અફઘાનિસ્તાનના ઓપનરે ઈંગ્લેન્ડના દરેક બોલરને તોડી નાખ્યા અને 177 રનનો ધમાકેદાર સ્કોર બનાવ્યો. હવે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ ઝદરાનના નામે નોંધાયેલો છે. તેણે ચાર દિવસ પહેલા બેન ડકેટ દ્વારા બનાવેલા રેકોર્ડને તોડી નાખ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે રમતી વખતે ડકેટે 165 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ સ્કોરર
ઇબ્રાહિમ ઝાદરાન એ અફઘાનિસ્તાન માટે વનડે ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે. તેણે 2022 માં બનાવેલા પોતાના જ રેકોર્ડને તોડી નાખ્યો છે. ઝદરાને 2022માં શ્રીલંકા સામે 162 રનની ઇનિંગ રમી હતી. ઝદરાને ગદ્દાફી સ્ટેડિયમમાં ખાસ કરીને જોફ્રા આર્ચરને નિશાન બનાવ્યો હતો. ઇનિંગ્સની 45મી ઓવરમાં ઝદરાને આર્ચર સામે ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો અને ઓવરમાંથી 20 રન બનાવ્યા હતા. ત્યાં જ અફઘાન ઓપનરે જો રૂટને પણ પછાડ્યો અને તેની ઓવરમાં 23 રન બનાવ્યા હતા. આ પણ વાંચો: પાકિસ્તાનના ઘરમાં અફઘાન ખેલાડી ઇબ્રાહિમ ઝદરાને કર્યો રનનો ઢગલો
ઇબ્રાહિમ ઝાદરાન એ કેટલા રેકોર્ડ બનાવ્યા
- ઇબ્રાહિમ ઝાદરાનના નામે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ.
- ઇબ્રાહિમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારનાર અફઘાનિસ્તાનનો પ્રથમ બેટ્સમેન.
- ઇબ્રાહિમ ઝાદરાન ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ કપમાં સદી ફટકારનાર અફઘાનિસ્તાનનો એકમાત્ર બેટ્સમેન.
- ઝદરાને અફઘાનિસ્તાન માટે વનડે ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો.
- અફઘાનિસ્તાન માટે સૌથી વધુ રન બનાવનાર ઓપનિંગ બેટ્સમેન
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર
- 177- ઇબ્રાહિમ ઝદરાન વિરુદ્ધ ઇંગ્લેન્ડ, લાહોર (૨૦૨૫)
- 165 – બેન ડકેટ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા લાહોર (૨૦૨૫)
- 145*- નાથન એસ્ટલ વિરુદ્ધ યુએસએ ધ ઓવલ (૨૦૦૪)
નોંધનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના સેમિફાઇનલ માટે 4 માંથી 2 ટીમો નક્કી થઈ ગઈ છે જ્યારે 2 ટીમો બહાર થઈ ગઈ છે. ભારત અને ન્યુઝીલેન્ડ ગ્રુપ A માંથી સેમિફાઇનલમાં પહોંચી ગયા છે, જ્યારે યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશની સફર ગ્રુપ સ્ટેજમાં જ સમાપ્ત થઈ ગઈ છે.
બીજી તરફ ગ્રુપ B માં સેમિફાઇનલ માટેની રેસ રોમાંચક બની ગઈ છે કારણ કે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ મેચ રદ થયા બાદ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચ કરો યા મરો જેવી બની ગઈ છે. આ જ કારણ છે કે બંને ટીમો આ મેચ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે.





