ભારતમાં રમાનાર 2023નો વન-ડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને ફાઇનલ મુકાબલો 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ જાણકારી ઇએસપીએનક્રિકઇન્ફોના એક રિપોર્ટમાં આપવામાં આવી છે. ઇએસપીએનક્રિકઇન્ફોના મતે બીસીસીઆઈએ 10 ટીમોના ટૂર્નામેન્ટ માટે એક ડઝનથી વધારે સ્થળોની પસંદગી કરી છે. જેમાં 48 મેચો રમાશે. જોકે આઈસીસી તરફથી સત્તાવાર જાહેરાત કરાઇ નથી.
કુલ 48 મુકાબલામાં નોકઆઉટની ત્રણ મેચ સામેલ
કુલ 48 મુકાબલામાં નોકઆઉટની ત્રણ મેચ સામેલ છે. મેચના સ્થળોની વાત કરવામાં આવે તો અમદાવાદ, બેંગલુરું, ચેન્નઇ, દિલ્હી, ધર્મશાળા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ઇન્દોર, રાજકોટ અને મુંબઈ સામેલ છે. આ યાદીમાં મોહાલી અને નાગપુર નથી જ્યાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમાઇ હતી.
વોર્મઅપ મુકાબલા બે-ત્રણ શહેરોમાં યોજાશે
વોર્મઅપ મુકાબલા બે-ત્રણ શહેરોમાં યોજાશે. જોકે હજુ સુધી તેની પસંદગી કરાઇ નથી. ભારતના વિભિન્ન ભાગમાં અલગ-અલગ સમય પર મોનસૂન આવવાના કારણે મેચના આયોજન સ્થળની પસંદગીને અંતિમ રૂપ આપવામાં મોડુ થયું છે. આઈસીસી સામાન્ય રીતે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત આયોજનથી લગભગ એક વર્ષ પહેલા જ કરી નાખે છે.
આ પણ વાંચો – વર્લ્ડ કપ માટે ભારતીય ખેલાડીઓને આરામ આપવા માટે બીસીસીઆઈ ફ્રેન્ચાઇઝી સાથે વાત કરે – રવિ શાસ્ત્રી
આઈસીસીને આ વખતે બીસીસીઆઈને ભારત સરકાર પાસેથી આવશ્યક મંજૂરી મળવાની રાહ છે. જેમાં બે પ્રમુખ મુદ્દા સામેલ છે. પ્રથમ ટૂર્નામેન્ટમાં ટેક્સમાંથી છૂટ મેળવવી અને બીજુ પાકિસ્તાન માટે વીઝા મંજૂરી. ભારત અને પાકિસ્તાનની ટીમ 2013 પછી આઈસીસીની ટૂર્નામેન્ટ્સ છોડીને કોઇ મેચ રમ્યું નથી.
યજમાની કરારનો ભાગ છે ટેક્સ છૂટ
ટેક્સમાં છૂટ મેળવવી યજમાની કરારનો ભાગ છે. કરાર પ્રમાણે આઈસીસી અને ટૂર્નામેન્ટમાં સામેલ તેના બધા કમર્શિયલ પાર્ટનર્સને ટેક્સ છૂટ અપાવવામાં મદદ કરવા માટે બીસીસીઆઈ બાધ્ય છે. બીસીસીઆઈએ આ મુદ્દે 2014માં આઈસીસી સાથે સહમતિ વ્યક્ત કરી હતી. તે સમયચે બીસીસીઆઈને પુરુષોની ત્રણ આઈસીસી ઇવેન્ટની યજમાની મળી હતી. જેમાં 2016નો ટી-20 વર્લ્ડ કપ, 2018ની ચેમ્પિયન્સ ટ્રોફી અને 2023નો વન-ડે વર્લ્ડ કપ સામેલ હતો. 2018ની ચેમ્પિયન્સ ટ્રોફીને પછી ટી-20 વર્લ્ડ કપમાં બદલી નાખી હતી. જે કોરોના મહામારીના કારણે યૂએઈ અને ઓમાન સ્થળાંતરિત કરી દીધો હતો.