IND A vs PAK A Highlights: એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 માં પાકિસ્તાની શાહીનનો ભારત A સામે આઠ વિકેટથી વિજય થયો છે. રવિવારે દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારતીય ટીમે 137 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પાકિસ્તાન A એ 13.2 ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસીલ કર્યો હતો. મુઆઝ સદકતે ભારત A પાસેથી મેચ છીનવી લીધી. તે 47 બોલમાં 79 રન બનાવીને અણનમ રહ્યો, જેમાં તેણે સાત ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.
સદકતે મોહમ્મદ નઈમ (14) સાથે પ્રથમ વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી. છઠ્ઠી ઓવરમાં નઈમને યશ ઠાકુરે આઉટ કર્યો. ત્યારબાદ સદકતે યાસીર ખાન (11) સાથે બીજી વિકેટ માટે 39 રન ઉમેર્યા. દસમી ઓવરમાં યાસીર ખાન સુયશ શર્માના હાથે ફસાઈ ગયો. ત્યારબાદ સદકતે મોહમ્મદ ફૈક (11 અણનમ) સાથે 43 રનની અતૂટ ભાગીદારી કરી અને પાકિસ્તાનને જીત અપાવી. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની સતત બીજી જીત છે.
આ પણ વાંચો: ભારતમાં ટૂંક સમયમાં બુલેટ ટ્રેન દોડશે, પીએમ મોદીએ સુરત સ્ટેશનનું નિરીક્ષણ કર્યું
અગાઉ ટોસ હાર્યા બાદ ભારત 19 ઓવરમાં 136 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. યુએઈ સામે સદી ફટકારનાર ચૌદ વર્ષીય વૈભવ સૂર્યવંશી ફિફ્ટી ચૂકી ગયો. તેણે 28 બોલમાં 45 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. સૂર્યવંશીએ પ્રિયાંશ (10) સાથે પ્રથમ વિકેટ માટે 30 રન અને નમન ધીર (20 બોલમાં 35 રન) સાથે બીજી વિકેટ માટે 49 રન ઉમેર્યા. સૂર્યવંશી 11મી ઓવરમાં આઉટ થયો અને ત્યારબાદ ભારતીય ટીમનો પરાજય થયો.
ભારતે છેલ્લી સાત વિકેટ 45 રનમાં ગુમાવી દીધી. કેપ્ટન જીતેશ શર્મા (5) સહિત પાંચ ખેલાડીઓ બે આંકડા સુધી પહોંચી શક્યા નહીં. આઠમા ક્રમે બેટિંગ કરવા આવેલા હર્ષ દુબેએ 15 બોલમાં 19 રન બનાવ્યા. રમનદીપ સિંહે 11 રનનું યોગદાન આપ્યું. પાકિસ્તાન માટે શાહિદ અઝીઝે ત્રણ વિકેટ લીધી. માઝ સદકત અને સાદ મસૂદે બે-બે વિકેટ લીધી જ્યારે સુફિયાન મુકીમ, ઉબેદ શાહ અને અહેમદ દાનિયાલે એક-એક વિકેટ લીધી.





