ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમનો સભ્ય નથી. હાર્દિક પંડ્યા પુરી રીતે ફિટ થયા પછી વન-ડે અને ટી 20 ટીમનો ભાગ છે અને ટેસ્ટ ક્રિકેટમાં રમતો જોવા મળતો નથી. હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વન-ડે શ્રેણીના પ્રથમ મુકાબલા પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાના ટેસ્ટ ક્રિકેટના ભવિષ્યને લઇને પોતાની વાત બધાની સામે રાખી હતી. ઓસ્ટ્રેલિયા સામે 17 માર્ચે રમાનાર પ્રથમ વન-ડેમાં રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ટીમની કેપ્ટનશિપ કરશે.હાર્દિક પંડ્યાએ ટી-20માં ઘણી વખત ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરી છે પણ વન-ડેમાં પ્રથમ વખત કેપ્ટનશિપ કરશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નહીં રમે હાર્દિક
હાર્દિક પંડ્યાએ કહ્યું કે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભાગ લેશે નહીં કારણ કે તેને લાગે છે કે તેણે ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત બનાવ્યું નથી. હું નિશ્ચિત રુપે ઘણો મજબૂત વ્યક્તિ છું. મેં ત્યાં પહોંચવા માટે 10 ટકા પણ કર્યું નથી. હું એક ટકા પણ ટેસ્ટ ટીમનો હિસ્સો નથી. મારું ટેસ્ટ ટીમમાં આવવું અને કોઇકનું સ્થાન લેવું નૈતિક રુપથી ઠીક રહેશે નહીં. જો હું ટેસ્ટ ક્રિકેટ રમીશ તો સખત મહેનત કરીશ અને પોતાનું સ્થાન નિશ્ચિત બનાવીશ. આ કારણે હું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ કે ભવિષ્યની ટેસ્ટ શ્રેણીમાં ત્યાં સુધી ઉપલબ્ધ નહીં રહું જ્યાં સુધી મને નહીં લાગે કે મેં મારું પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
હાર્દિક પંડ્યાએ કહ્યું કે તે ટેસ્ટ ક્રિકેટમાં ત્યારે જ રમશે જ્યારે તે રિધમ મેળવી લેશે. જાન્યુઆરીમાં જ્યારે તેને ટેસ્ટ ક્રિકેટ વિશે પૂછ્યું હતું તો તેણે કહ્યું હતું કે પહેલા મને પુરી રીતે બ્લૂ કપડામાં (ટી-20 અને વન-ડેમાં)જ રહેવા દો અને પછી ટેસ્ટ વિશે કહીશ.
આ પણ વાંચો – ઋષભ પંત ઝડપથી થઇ રહ્યો છે સ્વસ્થ , સ્વિમિંગ પૂલમાં વોક કરતો જોવા મળ્યો, જુઓ VIDEO
Star Sports પર જોવા મળશે લાઇવ સ્ટ્રીમિંગ
વન-ડે શ્રેણીના બધા મુકાબલાનું લાઇવ પ્રસારણ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિભિન્ન ચેનલ્સ પર જોઇ શકાશે. મેચની લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+હોટસ્ટાર ઉપર પણ ઉપલબ્ધ છે. ઓસ્ટ્રેલિયામાં બધી મેચ ફોક્સ ક્રિકેટ અને કાયો સ્પોર્ટ્સ પર જોવા મળશે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત – રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ.
ઓસ્ટ્રેલિયા – સ્ટિવ સ્મિથ, ડેવિડ વોર્નર, માર્નસ લાબુશેન, કેમરુન ગ્રીન, ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કૈરી, નાથન એલિસ, જોશ ઇંગલિસ, મિચેલ માર્શ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.
ભારત વિ. ઓસ્ટ્રેલિયા વન-ડે શ્રેણીનો કાર્યક્રમ
17 માર્ચ – પ્રથમ વન-ડે, મુંબઈ
19 માર્ચ – બીજી વન-ડે, વિઝાગ
22 માર્ચ – ત્રીજી વન-ડે, ચેન્નઇ
(બધી મેચો ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 કલાકેથી શરૂ થશે.)