ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર યુવા વિકેટકીપર પ્લેયર ઋષભ પંત કઇ સ્થિતિમાં છે અને શું કરી રહ્યો છે તે જાણવા માટે પ્રશંસકો આતુર છે. પંતે બુધવારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો દ્વારા તેણે બતાવાવનો પ્રયત્ન કર્યો છે કે તે ઠીક છે અને પોતાની ફિટનેસ તરફ ધીરે-ધીરે કદમ ભરી રહ્યો છે.
ઋષભ પંતે જે વીડિયો શેર કર્યો તેમાં તે સ્વિમિંગ પૂલમાં જોવા મળે છે અને ધીરે-ધીરે સ્ટિકના સહારે ચાલી રહ્યો છે. પંતનો આ વીડિયો જોઇને લાગી રહ્યું છે કે ધીરે-ધીરે ફિટ થઇ રહ્યો છે. પંત ગત વર્ષે એક ભયંકર કાર દુર્ઘટનાનો શિકાર થયો હતો અને તેને ગંભીર ઇજા પહોંચી હતી. પંત પોતાના પ્રશંસકોને પોતાની સ્વાસ્થ્ય સંબંધી પ્રગતિથી અપડેટ કરવા માટે હંમેશા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાંઇકને કાંઇક શેર કરતો રહે છે. જેનાથી બધાને તેની સ્થિતિ વિશે જાણકારી મળતી રહે છે.
પંતે કેટલાક દિવસો પહેલા પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ચેસ રમતો પોતાનો એક ફોટો શેર કર્યો હતો. છતના ટેબલ પર તેની સામે ચેસ પાથરેલી જોવા મળી હતી. સામે એક ખાલી ખુરશી પણ હતી. તે કોઇની સાથે ચેસ રમતો જોવા મળ્યો હતો. જોકે એ સ્પષ્ટ ન હતું કે વિકેટકીપર બેટ્સમેન કોની સાથે રમી રહ્યો છે. તેણે ફોટો સાથે કેપ્શન પણ આપી હતી કે શું કોઇ અંદાજ લગાવી શકે છે કે કોણ રમી રહ્યું છે?
આ પણ વાંચો – શુક્રવારથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે શ્રેણી, પેટ કમિન્સ ભારત આવશે નહીં, સ્ટિવ સ્મિથ સંભાળશે કેપ્ટનશિપ
આ પહેલા પંતે લિંગામેન્ટ ટિયર સંબંધિત પોતાની સર્જરી પર અપડેટ આપ્યું હતું. પંતે ટ્વિટર પર લખ્યું હતું કે હું બધા સમર્થન અને શુભકામનાઓ માટે આભારી છું. મને તમને એ બતાવવા ખુશી થઇ રહી છે કે મારી સર્જરી સફળ થઇ છે. ઠીક થવાની રાહ શરુ થઇ ગઇ છે અને હું આગળના પડકાર માટે તૈયાર છું.
તમને જણાવી દઈએ કે પંતને પુરી રીતે સ્વસ્થ થવામાં લાંબો સમય લાગશે અને તે આઈપીએલ 2023માં રમી શકશે નહીં. તે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર વન-ડે વર્લ્ડ કપ પણ ગુમાવી તેવી સંભાવના છે.