ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચને શુક્રવારથી ત્રણ મેચની વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે. સ્ટિવ સ્મિથ ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશિપ સંભાળશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પૃષ્ટી કરી છે કે પેટ કમિન્સ હવે વન-ડે શ્રેણી માટે પણ ભારત પરત ફરશે નહીં. તે પારિવારિક કારણોસર અંતિમ બે ટેસ્ટમાં રમ્યો ન હતો.
કમિન્સની માતા મારિયાનું ગત સપ્તાહે નિધન થયું હતું. કોચ એન્ડ્રયુ મેકડોનાલ્ડે જણાવ્યું કે પેટ કમિન્સ પરત આવશે નહીં. તેને હવે ઘરમાં રહીને પરિવારની દેખભાળ કરવાની જરૂર છે. આ મુશ્કેલના સમયમાં અમે પેટ અને તેના પરિવારની સાથે છીએ.
સ્ટિવ સ્મિથ વન-ડેમાં કેપ્ટનશિપ કરશે
તેનો મતબલ એ છે કે સ્ટિવ સ્મિથ ટેસ્ટ શ્રેણીની અંતિમ બે મેચમાં ટીમનું નેતૃત્વ કર્યા પછી હવે વન-ડે શ્રેણીમાં પણ કેપ્ટન તરીકે યથાવત્ રહેશે. પેટ કમિન્સે ગયા વર્ષે એરોન ફિન્ચની નિવૃત્તિ પછી વન-ડે ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી. જોકે હજુ સુધી તે બે વન-ડે મેચમાં જ ટીમની આગેવાની કરી શક્યો છે. તે બન્ને મેચ ગત વર્ષે નવેમ્બરમાં ઘરેલું શ્રેણીમાં ઇંગ્લેન્ડ સામે રમાઇ હતી.
વન-ડે શ્રેણીમાં ડેવિડ વોર્નર રમશે
શુક્રવારથી મુંબઈમાં શરુ થનારી આગામી વન-ડે શ્રેણીનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે આ વર્ષના અંતમાં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમવાનો છે. મેકડોનાલ્ડે વન-ડે શ્રેણીમાં ડેવિડ વોર્નરના રમવાની પૃષ્ટી કરી છે. વોર્નર હાલમાં જ કોણીમાં ફ્રેક્ચરના કારણે અંતિમ બે ટેસ્ટમાં રમી શક્યો ન હતો.
આ પણ વાંચો – ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું, ન્યૂઝીલેન્ડની જીતથી થયો ફાયદો
Star Sports જોવા મળશે લાઇવ સ્ટ્રીમિંગ
વન-ડે શ્રેણીના બધા મુકાબલાનું લાઇવ પ્રસારણ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિભિન્ન ચેનલ્સ પર જોઇ શકાશે. મેચની લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+હોટસ્ટાર ઉપર પણ ઉપલબ્ધ છે. ઓસ્ટ્રેલિયામાં બધી મેચ ફોક્સ ક્રિકેટ અને કાયો સ્પોર્ટ્સ પર જોવા મળશે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત – રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ.
એસ્ટ્રેલિયા – સ્ટિવ સ્મિથ, ડેવિડ વોર્નર, માર્નસ લાબુશેન, કેમરુન ગ્રીન, ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કૈરી, નાથન એલિસ, જોશ ઇંગલિસ, મિચેલ માર્શ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.
ભારત વિ. ઓસ્ટ્રેલિયા વન-ડે શ્રેણીનો કાર્યક્રમ
17 માર્ચ – પ્રથમ વન-ડે, મુંબઈ
19 માર્ચ – બીજી વન-ડે, વિઝાગ
22 માર્ચ – ત્રીજી વન-ડે, ચેન્નઇ
(બધી મેચો ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 કલાકેથી શરૂ થશે.)