ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઇ છે. ભારત સતત બીજી વખત ફાઇનલમાં પહોંચવા સફળ રહ્યું છે. ન્યૂઝીલેન્ડનો પ્રથમ ટેસ્ટમાં વિજય થયા ભારતને ફાયદો થયો છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકા સામે 2 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. ન્યૂઝીલેન્ડને જીતવા માટે 285 રનનો પડકાર મળ્યો હતો. જે તેણે 70 ઓવરમાં 8 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને અણનમ 121 રનની લડાયક ઇનિંગ્સ રમી હતી. ન્યૂઝીલેન્ડને ટેસ્ટમાં અંતિમ ઓવરમાં જીત માટે 8 રનની જરૂર હતી. જે તેણે બનાવી લીધા હતા.
ન્યૂઝીલેન્ડની જીતથી ભારતને ફાયદો
ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહેલા જ ક્વોલિફાય કરી ચુક્યું છે. લડાઇ ભારત અને શ્રીલંકા વચ્ચે હતી. શ્રીલંકાએ ફાઇનલમાં પહોંચવા માટે ન્યૂઝીલેન્ડને તેના ઘરઆંગણે બે ટેસ્ટમાં 2-0થી હરાવવું જરૂરી હતું. જોકે પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે શાનદાર જીત મેળવીને શ્રીલંકાની આશા પર પાણી ફેરવી દીધું હતું. ન્યૂઝીલેન્ડની જીતથી ભારતને પણ ફાયદો થયો અને તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગયું છે.
આ પણ વાંચો – વિરાટ કોહલીએ 39 મહિના પછી ફટકારી સદી, ગેરી સોબર્સ સહિત 3 ખેલાડીઓને રાખ્યા પાછળ
7 જૂને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂન 2023ના રોજ ઇંગ્લેન્ડના ધ ઓવલમાં રમાશે. ભારત બીજી વખત ફાઇનલમાં રમશે. પહેલી સિઝનમાં ભારતનો ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો હતો.
ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા 68.52 જીત પ્રતિશત સાથે પ્રથમ સ્થાને છે. ભારત 60.29 જીત પ્રતિશત સાથે બીજા સ્થાને છે.