બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી છે અને 39 મહિનાની સદીનો દુષ્કાળ ખતમ કર્યો છે. કોહલીએ આ પહેલા નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ પછી 39 મહિના પછી ટેસ્ટમાં સદી ફટકારી છે. તે 42 ઇનિંગ્સથી સદી ફટકારી શક્યો ન હતો.
વિરાટ કોહલીની ટેસ્ટમાં 28મી સદી
વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દીની આ 28મી સદી છે. આ સાથે જ તેણે વેસ્ટ ઇન્ડીઝના મહાન ક્રિકેટર્સ ગૈરી સોબર્સ, ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડર અને દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથને ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારવાના મામલે પાછળ રાખી દીધા છે. આ ત્રણેય ખેલાડીઓએ ટેસ્ટમાં 27-27 સદી ફટકારી છે. આ સિવાય તેણે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર હાશિમ અમલા અને ઓસ્ટ્રેલિયાના માઇકલ ક્લાર્કની બરાબરી કરી છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 28-28 સદી ફટકારી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીની 75મી સદી છે. તે સૌથી વધારે સદી ફટકારવાના મામલે બીજા નંબરે છે. સચિન તેંડુલકરના નામે સૌથી વધારે 100 સદીનો રેકોર્ડ છે.
આ પણ વાંચો – ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં કેમ બનાવવામાં આવી રહી છે ટર્નિંગ ટ્રેક, સુનીલ ગાવસ્કરે કર્યો ચોંકાવનારો ખુલાસો
આ સદી પહેલા વિરાટ કોહલીએ ઇડન ગાર્ડન્સમાં 22 નવેમ્બર 2019ના રોજ બાંગ્લાદેશ સામે 136 રનની ઇનિંગ્સ રમી હતી. આ પછી તેણે 43 ઇનિંગ્સમાં 6 અડધી સદી ફટકારી હતી. તેણે 3 વખત 70+ નો સ્કોર કર્યો હતો. એક વખત 60+ અને બે વખત 50+ નો સ્કોર કર્યો હતો. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર 79 રહ્યો હતો.
કોહલીનું 2022, 2021 અને 2022માં પ્રદર્શન
વિરાટ કોહલીએ 2020માં 3 ટેસ્ટની 6 ઇનિંગ્સમાં 19.33ની એવરેજથી 116 રન બનાવ્યા હતા. બેસ્ટ સ્કોર 74 રન હતો. 2021માં 11 મેચની 19 ઇનિંગ્સમાં 28.21ની એવરેજથી 536 રન બનાવ્યા હતા. 4 અડધી સદી ફટકારી હતી અને 72 બેસ્ટ સ્કોર હતો. 2022માં 6 મેચની 11 ઇનિંગ્સમાં 26.50ની એવરેજથી 265 રન બનાવ્યા હતા. આ દરમિયાન એક અડધી સદી ફટકારી હતી. 79 બેસ્ટ સ્કોર હતો.