ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ક્રિકેટર અને કોમેન્ટેટર સુનીલ ગાવસ્કરે ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણી દરમિયાન ચાલી રહેલા પિચ વિવાદને લઇને પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આખરે કેમ ભારતીય ટીમે અત્યાર સુધી ટર્નિંગ પિચ પર રમતને અગ્રીમતા આપી છે. ટીમ ઇન્ડિયાનું બોલિંગ સંયોજન હાલ 20 વિકેટ લેવામાં સમર્થ જોવા મળી રહ્યું નથી. આ જ કારણે ભારત સુકી પિચ બનાવવા મજબૂર છે.
ભારતમાં 20 વિકેટ ઝડપવી આસાન નથી
સુનીલ ગાવસ્કરે ટુડે ગ્રુપ સાથે વાત કરતા કહ્યું કે ભારતમાં 20 વિકેટ ઝડપવી આસાન નથી. ઘણી ભારતીય પિચો પર તમે પોતાના અનુભવી બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને થોડા ઓછા અનુભવ વાળા મોહમ્મદ સિરાજ વગર મને નથી લાગતું કે બોલિંગ આક્રમણ એટલું મજબૂત છે કે તે 20 વિકેટ ઝડપી શકે. જો સુકી પિચ બને તો તમને મદદ મળશે અને આ સાથે તમે 20 વિકેટ ઝડપવામાં સક્ષમ બની શકશો. મને લાગે છે કે આવી પિચો તૈયાર કરવામાં કદાચ આ જ કારણ હશે.
તમારી તાકાત તમારા સ્પિનર છે
ગાવસ્કરે દાવો કર્યો કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતના વિચારને આવી રીતે બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી, કારણ કે ભારત ઇચ્છે છે કે તે પોતાના હોમ ગ્રાઉન્ડનો પુરો ફાયદો ઉઠાવે અને પોતાના સ્પિનરોનો ભરપૂર પ્રયોગ કરે. ભારત એવી સપાટ પિચો બનાવવા માંગતું ન હતું જ્યાં બેટ્સમેનો રન બનાવી શકે. તેમણે કહ્યું કે ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ટર્નિંગ ટ્રેક બનાવવા સિવાય કોઇ વિકલ્પ ન હતો. જો તમારી પાસે એક મજબૂત આક્રમણ હોત તો તમે કદાચ કશુંક અલગ કરી શક્યા હોત પણ તમારી તાકાત તમારા સ્પિનર છે અને આથી આવી પિચો બનાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો – અમદાવાદમાં ચોથી ટેસ્ટ : ઉસ્માન ખ્વાજાની સદી, પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાનું પ્રભુત્વ
તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ભારતે આ ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધી પ્લેઇંગ ઇલેવનમાં ફક્ત બે ફાસ્ટ બોલરોનો ઉપયોગ કર્યો છે. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ પ્રથમ બે ટેસ્ટ રમ્યા હતા. જ્યારે ઉમેશ યાદવે ત્રીજી ટેસ્ટમાં શમીનું સ્થાન લીધું હતું. અશ્વિન, જાડેજા અને અક્ષર પટેલે શ્રેણીમાં અત્યાર સુધી ભારત માટે એક મજબૂત સ્પિન તીકડી બનાવી છે.