અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ ડ્રો માં પરિણમી છે. આ ડ્રો સાથે જ ભારતે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી લીધી છે. ભારત સતત ચોથી વખત આ શ્રેણી જીતવા સફળ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 2 વિકેટે 175 રન બનાવ્યા ત્યારે મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 90, લાબુશેને અણનમ 63 અને સ્ટિવન સ્મિથે અણનમ 10 રન બનાવ્યા હતા. ભારત તરફથી અશ્વિન અને અક્ષર પટેલે 1-1 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 480 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 571 રન બનાવી 91 રનની લીડ મેળવી હતી. ભારત તરફથી વિરાટ કોહલી (186) અને શુભમન ગિલે (128) સદી ફટકારી હતી.
અશ્વિન અને જાડેજા મેન ઓફ ધ સિરીઝ
ચોથી ટેસ્ટમાં 186 રન બનાવનાર વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને સંયુક્ત રીતે મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયા હતા. અશ્વિને 4 ટેસ્ટમાં 25 વિકેટ ઝડપી હતી અને 86 રન બનાવ્યા હતા. જ્યારે જાડેજાએ 4 ટેસ્ટમાં 22 વિકેટ ઝડપી હતી અને 135 રન બનાવ્યા હતા.
છેલ્લી 4 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના પરિણામ
2017 – ભારતનો 2-1થી વિજય
2019 – ભારતનો 2-1થી વિજય
2021 – ભારતનો 2-1થી વિજય
2023 – ભારતનો 2-1થી વિજય
આ પણ વાંચો – શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં બનાવી શકે છે 8 થી 10 હજાર રન, સુનીલ ગાવસ્કરે કરી ભવિષ્યવાણી
અક્ષર પટેલની 50 વિકેટ
અક્ષર પટેલે ટેસ્ટ ક્રિકેટમાં 50 વિકેટ પુરી કરી છે. તે ટેસ્ટમાં ભારત તરફથી સૌથી ઓછા બોલમાં 50 વિકેટ ઝડપનાર બોલર બન્યો છે. અક્ષર પટેલે 2205 બોલમાં 50 વિકેટ પુરી કરી છે. તેણે જસપ્રીત બુમરાહને પાછળ રાખ્યો છે. બુમરાહે 2465 બોલમાં 50 વિકેટ ઝડપી હતી.
7 જૂને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ
ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઇ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂન 2023ના રોજ ઇંગ્લેન્ડના ધ ઓવલમાં રમાશે. ભારત બીજી વખત ફાઇનલમાં રમશે. પહેલી સિઝનમાં ભારતનો ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો હતો.