ભારતીય ઓપનર ક્રિકેટર શુભમન ગિલ 2023માં શાનદાર ક્રિકેટ રમી રહ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં 128 રન બનાવ્યા હતા. આ તેના ટેસ્ટ કારકિર્દીની બેસ્ટ વ્યક્તિગત ઇનિંગ્સ હતી. ભારતીય ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સદી ફટકારનાર શુભમન ગિલનું ક્રિકેટમાં કેવું ભવિષ્ય હશે તેને લઇને ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ભવિષ્યવાણી કરી છે.
આત્મવિશ્વાસથી ભરેલો છે શુભમન ગિલ
સુનીલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું કે જ્યારે તે બેટિંગ કરી રહ્યો હતો તો એવું લાગી રહ્યું હતું કે તેની પાસે અન્ય બેટ્સમેનોની સરખામણીમાં બોલ પર શોટ રમવા માટે થોડો વધારે સમય છે. જ્યારે તે રક્ષાત્મક શોટ રમે છે અને મિચેલ સ્ટાર્ક જેવા બોલર સામે તે જે રીતે આગળ ઝુકે છે અને જે રીતે ટેકનિકનો ઉપયોગ કરે છે તે જોવું ઘણું સુખદ છે. તેનાથી સાબિત થાય છે કે તેની પાસે કેટલો આત્મવિશ્વાસ છે. તે ફક્ત બેકફૂટ પર રમતો નથી તેનો પગ આગળ પણ વધે છે. તેની પાસે આક્રમણ કરવાની ક્ષમતા છે, આ સાથે સોલિડ ડિફેન્સ પણ છે. ટેસ્ટ ક્રિકેટમાં તમારે જે રીતે રમવાની જરૂર હોય છે તે બધુ જ ગિલ પાસે છે.
આ પણ વાંચો – વિરાટ કોહલીએ 39 મહિના પછી ફટકારી સદી, ગેરી સોબર્સ સહિત 3 ખેલાડીઓને રાખ્યા પાછળ
ટેસ્ટ ક્રિકેટમાં બનાવી શકે છે 8-10 હજાર રન
સુનીલ ગાવસ્કરે કહ્યું કે ફાસ્ટ બોલર સામે પાછળ ફરવું આસાન હોતું નથી. તે લાઇન અને લેન્થને ઘણી સારી રીતે પિક કરે છે. કોઇ પ્લેયર પાસે સમય હોય અને તેણે પોતાની કારકિર્દીને સંભાળી તો આગળ જઈને તે ટેસ્ટ ક્રિકેટમાં 8 થી 10 હજાર રન આરામથી બનાવી શકશે.
પ્રથમ ઇનિંગ્સમાં ભારતના 571 રન
ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના 480 રનના જવાબમાં ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 571 રન બનાવ્યા છે. ભારતને પ્રથમ દાવમાં 91 રનની લીડ મળી છે. ભારત તરફથી વિરાટ કોહલીએ 186 અને શુભમન ગિલે 128 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 79 રન બનાવ્યા હતા.