Rohit Sharma Press Conference : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ (Border-Gavaskar Trophy) શ્રેણી ગુરુવારે 9 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. આ પહેલા ઓસ્ટ્રેલિયન મીડિયાએ નાગપુરની પિચને લઇને હંગામો મચાવેલો છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કાંગારુઓને પ્રેસ કોન્ફરન્સમાં જડબાતોડ જવાબ આપ્યો છે. રોહિત શર્માએ કહ્યું કે પિચ પર નહીં ક્રિકેટ રમવા પર ધ્યાન હોવું જોઈએ.
રોહિત શર્માએ કહ્યું કે ક્રિકેટ પર ધ્યાન આપે, પિચ પર નહીં. મેદાન પર ઉતરનાર 22 ખેલાડી ઘણા શાનદાર છે. જોકે તેણે એ વાત માની કે પિચથી સ્પિનરોને મદદ મળશે અને સ્ટ્રાઇક રોટેટ કરવી મહત્વપૂર્ણ રહેશે. તેણે કહ્યું કે એક પ્લાન બનાવવો મહત્વપૂર્ણ છે. દરેકની રીત અલગ હોય છે. કેટલાકને સ્વીપ કરવું પસંદ છે તો કેટલાક બોલરને ઉપરથી મારવું. તમારે સ્ટ્રાઇક રોટેટ કરવાની જરૂર હોય છે અને ક્યારેક-ક્યારેક કાઉન્ટર અટેક કરવાની જરૂર હોય છે. કેપ્ટન કશુંક અલગ કરવાનો પ્રયત્ન કરશે. ફિલ્ડ અને બોલિંગમાં ફેરફાર કરશે. જેથી તમારે તે પ્રમાણે યોજના બનાવી અને રમવાની જરૂર છે.
શ્રેણી ચેલેન્જિંગ રહેશે – રોહિત શર્મા
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોહિત શર્માએ કહ્યું કે અમારે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ચાર ટેસ્ટ મેચ રમવાની છે અને અમે શ્રેણી જીતવા માંગીશું. આ એક પડકારજનક શ્રેણી રહેવાની છે અને અમે આ માટે તૈયાર છીએ. તૈયારી ઘણી મહત્વપૂર્ણ છે. જો તમે સારી તૈયારી કરો છો તો તમને પરિણામ મળે છે.
ટીમ પસંદગી મુશ્કેલ રહેશે – રોહિત શર્મા
રોહિત શર્માએ ટીમ પસંદગીને લઇને કહ્યું કે આ મુશ્કેલ છે. ખેલાડી સારા ફોર્મમાં છે. એક-એક સ્થાન માટે જોર લગાવી રહ્યા છે અને વાસ્તવમાં સારું કરી રહ્યા છે. કેટલાકને બહાર બેસાડવાનો નિર્ણય મુશ્કેલ છે. અમે મોટા નિર્ણયો કરીશું. આ સારો સંકેત છે કે બધા ખેલાડી સારું પ્રદર્શન કરી રહ્યા છે અને પસંદગીની તક મળી રહી છે. અમે પરિસ્થિતિઓને જોઇશું અને તે પ્રમાણે ટીમની પસંદગી કરીશું. અલગ-અલગ પિચો માટે અલગ-અલગ સ્કિલની આવશ્યકતા રહેશે.