scorecardresearch

IND vs AUS: ટીમ ઇન્ડિયા આગળ ફેઇલ રહ્યા છે સ્ટિવ વો અને રિકી પોન્ટિંગ જેવા કેપ્ટન, ઓસ્ટ્રેલિયા 27 વર્ષમાં 15માંથી 9 ટેસ્ટ શ્રેણી હાર્યું

Border Gavaskar Trophy : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત થશે, આ ટ્રોફીની શરૂઆત 1996-97માં થઇ હતી

IND vs AUS: ટીમ ઇન્ડિયા આગળ ફેઇલ રહ્યા છે સ્ટિવ વો અને રિકી પોન્ટિંગ જેવા કેપ્ટન, ઓસ્ટ્રેલિયા 27 વર્ષમાં 15માંથી 9 ટેસ્ટ શ્રેણી હાર્યું
છેલ્લી 5 ટેસ્ટ શ્રેણીની વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયાએ 4 માં જીત મેળવી છે (તસવીર – ટ્વિટર)

India vs Australia Test Record: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border-Gavaskar Trophy) 1996-97થી રમાઇ રહી છે. બન્ને ટીમો વચ્ચે 2020-21 સુધી 27 વર્ષમાં 15 શ્રેણી રમાઇ છે. ભારતીય ટીમે 9 શ્રેણી પોતાના નામે કરી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ફક્ત 5 શ્રેણી જીતવા સફળ રહ્યું છે. એક શ્રેણી ડ્રો રહી છે. છેલ્લી 5 ટેસ્ટ શ્રેણીની વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયાએ 4 માં જીત મેળવી છે. સ્ટિવ વો અને રિકી પોન્ટિંગ જેવા દિગ્ગજ કેપ્ટનોને પણ ભારતમાં સફળતા મળી નથી.

માર્ક ટેલરને મળી હાર

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત 1996-97માં થઇ હતી. માર્ક ટેલરની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. તેનો 1-0થી પરાજય થયો હતો. આ પછી ટેલરની આગેવાનીમાં 1997-98માં 3 મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ભારત આવી હતી. ટીમ ઇન્ડિયાનો આ શ્રેણીમાં 2-1થી વિજય થયો હતો.

સ્ટિવ વો – એક શ્રેણી જીતી અને એક શ્રેણીમાં પરાજય

સ્ટિવ વોની ગણતરી દુનિયાના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. તેમની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ક્રિકેટ વર્લ્ડ પર રાજ કર્યું હતું. તે 1999-2004 સુધી ટીમના કેપ્ટન રહ્યા હતા. 57 ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરી હતી અને ફક્ત 9 મેચમાં પરાજય થયો હતો. તેમની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 3 વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમી હતી. 1999-2000માં ઓસ્ટ્રેલિયાએ 3-0થી ભારતનો વ્હાઇટવોશ કર્યો હતો. આ પછી 2000-01માં ભારતના પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમનો 1-2થી પરાજય થયો હતો. સૌરવ ગાંગુલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનો વિજયી રથ રોક્યો હતો. આ પહેલા કાંગારુ ટીમ સતત 16 ટેસ્ટ જીતી હતી. 2004-05માં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઇ હતી. જ્યા શ્રેણી 1-1થી ડ્રો રહી હતી. સ્ટિવ વો એ આ શ્રેણીમાં પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમી હતી.

રિકી પોન્ટિંગ ભારતમાં ના જીતી શક્યો કોઇ ટેસ્ટ મેચ

સ્ટિવ વો પછી ઓસ્ટ્રેલિયા ટીમની કેપ્ટનશિપ રિકી પોન્ટિંગે સંભાળી હતી. 2004-05માં કાંગારુની ટીમ ભારત પ્રવાસે આવી હતી અને 2-1થી શ્રેણી જીતી હતી. 4 મેચની ટેસ્ટ શ્રેણીમાં એડમ ગિલક્રિસ્ટની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ 2 ટેસ્ટ મેચ જીતી હતી. ઇજામાંથી પરત ફર્યા પછી પોન્ટિંગ અંતિમ ટેસ્ટ રમ્યો હતો. જેમાં પરાજય થયો હતો. 2007-08માં ભારતે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. જ્યાં ટીમ ઇન્ડિયાનો 2-1થી પરાજય થયો હતો. પોન્ટિંગની કેપ્ટનશિપમાં કાંગારુ ટીમ 2008-09 અને 2010-11માં ભારતના પ્રવાસે હતી. બન્ને વખત ટીમ ઇન્ડિયાએ 2-0થી શ્રેણી પોતાના નામે કરી હતી. પોન્ટિંગે ભારતમાં 7 ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરી છે, જેમાં 5 માં પરાજય થયો છે અને 2 મેચ ડ્રો રહી છે. તે એકપણ મેચ જીતી શક્યો ન હતો.

આ પણ વાંચો – આર અશ્વિન કે રવિન્દ્ર જાડેજા નહીં આ બોલરથી ડરી રહ્યું છે ઓસ્ટ્રેલિયા, ફૂટેજ જોઇને કરી રહ્યું છે તૈયારી

મહેન્દ્રસિંહ ધોનીએ શ્રેણી વચ્ચે જાહેર કરી નિવૃત્તિ

મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા 2011-12માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઇ હતી. ભારતીય ટીમનો 4-0થી પરાજય થયો હતો. 2012-13માં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે હતી, જ્યાં ટીમ ઇન્ડિયાએ 4-0થી વિજય મેળવ્યો હતો. 2014-15માં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઇ હતી. જ્યાં ભારતીય ટીમનો 2-0થી પરાજય થયો હતો. આ દરમિયાન ધોનીએ અચાનક ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.

વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારત ઓસ્ટ્રેલિયા પર ભારે પડ્યું

એમએસ ધોની પછી વિરાટ કોહલીના હાથમાં ટીમની કેપ્ટનશિપ હતી. 2016-17માં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. ટીમ ઇન્ડિયાએ 2-1થી શ્રેણી પોતાના નામે કરી હતી. 2018-19 અને 2020-21માં ભારતે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. જ્યાં બન્ને વખત ભારતે 2-1થી શ્રેણી જીતીને ઓસ્ટ્રેલિયામાં નવો ઇતિહાસ રચ્યો હતો. ઋષભ પંત જેવા યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. 2020-21માં વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ પછી ભારત પરત ફર્યો હતો. આ પછી અજિંક્ય રહાણેની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Web Title: India vs australia border gavaskar trophy record of last 27 years

Best of Express