IND vs AUS Test Series: ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી 4 મેચોની ટેસ્ટ શ્રેણીની શરૂઆત થશે. પેટ કમિન્સની આગેવાનીવાળી ટીમ માટે સૌથી મોટો પડકાર સ્પિન બોલિંગ રહેશે. એટલે કાંગારુએ તેનો તોડ કાઢવા માટે તૈયારી શરુ કરી દીધી છે. ટીમ બેંગલોરમાં પ્રેક્ટિસ કરી રહી છે. રોહિત શર્માની આગેવાનીવાળી ટીમમાં આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને અક્ષર પટેલ એમ ચાર સ્પિનર છે.
સિડની મોર્નિંગ હેરાલ્ડના રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયાની ટીમમાં અશ્વિન, જાડેજા અને કુલદીપ યાદવ કરતા અક્ષર પટેલનો વધારે ડર છે. તેમનું માનવું છે કે ડાબોડી સ્પિનર ટેસ્ટ શ્રેણીમાં તેમના માટે સૌથી મોટો ખતરો રહેશે.
શું છે અક્ષર પટેલ સામેની રણનીતિ
અક્ષર પટેલનો તોડ શોધવા માટે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો તેના ફૂટેજ જોઇ રહ્યા છે. તેની મદદથી તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અક્ષરની બોલિંગ સામે કેવી રીતે રમવું. પિચથી તેને ટર્ન અને બાઉન્સ કેટલો મળે છે. ટીમ ભારતીય સ્પિનર્સનો સામનો કરવા માટે ભારતના કેટલાક ઘરેલું ખેલાડીઓની મદદ લઇ રહી છે. જેમાં જમ્મુ કાશ્મીરના આબિદ મુશ્તાક સામેલ છે. જેણે રણજી ટ્રોફીની આ સિઝનમાં 32 વિકેટ ઝડપી છે. ટીમનો સ્લો ટર્નર, રૈંક ટર્નર અને અસામાન્ય ઉછાળ વાળી પિચો પર પ્રેક્ટિસનો પ્લાન છે.
આ પણ વાંચો – અક્ષર પટેલે મેહા પટેલ સાથે કર્યા લગ્ન, જાણો કોણ છે ક્રિકેટરની દૂલ્હન
અક્ષર પટેલે 8 ટેસ્ટમાં ઝડપી છે 47 વિકેટ
અક્ષર પટેલના ટેસ્ટ કારકિર્દીની વાત કરવામાં આવે તો તેણે 8 ટેસ્ટમાં 47 વિકેટ ઝડપી છે. આ દરમિયાન એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ 5 વખત લઇ ચૂક્યો છે. એક વખત મેચમાં 10 વિકેટ ઝડપી ચૂક્યો છે. જાડેજાની ગેરહાજરીનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં અશ્વિન અને જાડેજા સાથે અક્ષર પ્લેઇંગ ઇલેવનમાં રમે તેવી સંભાવના છે. એટલે કે કુલદીપ યાદવને પ્લેઇંગ 11માંથી બહાર રહેવું પડશે.