Rishabh Pant Catch vs Bangladesh: ટીમ ઇન્ડિયાનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli)શાનદાર ફિલ્ડર છે. તેની પાસેથી ભાગ્યે જ ક્યારેક કેચ છૂટે છે. જોકે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે સ્લિપમાં ઉભેલા વિરાટ કોહલીના હાથમાંથી બોલ છટકી ગયો હતો. જોકે પંતના ચપળતાના કારણે ટીમ ઇન્ડિયાને વિકેટ મળી ગઇ હતી.
આ ઘટના ચટ્ટોગ્રામ ટેસ્ટના ચોથા દિવસે લંચ પછી બની હતી. બાંગ્લાદેશનો ઓપનર બેટ્સમેન નઝમુલ હસન શાંતો અને ઝાકિર હસન શાનદાર બેટિંગ કરી રહ્યા હતા. ટીમ ઇન્ડિયાને વિકેટની જરૂર હતી. બન્ને વચ્ચે 124 રનની ભાગીદારી નોંધાવી હતી. ઉમેશ યાદવે આ ભાગીદારી તોડી હતી.
આ પણ વાંચો – સિડની થંડર 15 રનમાં ઓલઆઉટ, ટી-20 ક્રિકેટમાં સૌથી લોએસ્ટ સ્કોરનો શરમજનક રેકોર્ડ બનાવ્યો
પંતે કર્યો શાનદાર કેચ
નઝમુલ હસન શાંતો 67 રન પર બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે ઉમેશ યાદવના બહાર જતા બોલ પર શોટ મારવાના પ્રયત્નમાં સ્લિપમાં કેચ ગયો હતો. સ્લિપમાં વિરાટ કોહલીના હાથમાં કેચ ગયો હતો પણ તેના હાથમાંથી કેચ છૂટી ગયો હતો. જોકે બાજુમાં ઉભેલા પંતની નજર બોલ તરફ હતી અને તેણે છલાંગ લગાવી શાનદાર કેચ કર્યો હતો.
નઝમુલની વિકેટ પછી ટીમ ઇન્ડિયાની વાપસી
નઝમુલ હસનના આઉટ થયા પછી ટીમ ઇન્ડિયાએ મેચમાં વાપસી કરી હતી. યાસિર અલી 5 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં આઉટ થયો હતો. આ પછી લિટન દાસને કુલદીપ યાદવે 19 રને આઉટ કર્યો હતો.