IND vs NZ: ટી-20 ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)હાલના સમયે દુનિયાનો નંબર 1 બેટ્સમેન છે. લખનઉમાં બેટિંગ માટે મુશ્કેલ પીચ પર મિસ્ટર 360 ડિગ્રીનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. ટી-20 ક્રિકેટમાં અત્યાર સુધી 3 સદી ફટકારી ચુકેલા સૂર્યકુમાર યાદવનો રવિવારે વિપરિત અંદાજ જોવા મળ્યો હતો. તેણે 31 બોલમાં 26 રન બનાવ્યા હતા અને ફક્ત 1 ફોર ફટકારી હતી. મેચ પછી ચહલ ટીવી પર સૂર્યકુમાર યાદવે યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ સાથે મજેદાર ઇન્ટરવ્યૂ કર્યું હતું. જેમાં સૂર્યકુમાર યાદવે ચહલને પોતાનો બેટિંગ કોચ ગણાવ્યો હતો. બીસીસીઆઈએ તેનો વીડિયો શેર કર્યો છે.
ચહલ મારા બેટિંગ કોચ છે
સૂર્યકુમાર યાદવે કહ્યું કે મેં યુજવેન્દ્ર ચહલની સલાહ માની જે તેણે મને ગત શ્રેણીમાં આપી હતી. હું તેની પાસેથી વધારે શીખવા માંગું છું, તે મારા બેટિંગ કોચ છે. આ પહેલા શ્રીલંકા સામે વન-ડે શ્રેણી દરમિયાન બીજી મેચમાં કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું ત્યારે ચહલે તેનું ઇન્ટરવ્યૂ લીધું હતું. આ દરમિયાન તેણે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે તે સૂર્યાનો બેટિંગ કોચ છે.
આ પણ વાંચો – અંડર-19 મહિલા વર્લ્ડ કપ: ઇંગ્લેન્ડને હરાવી ભારતે રચ્યો ઇતિહાસ, મહિલા ક્રિકેટમાં પ્રથમ વખત ICC ટ્રોફી જીતી
સ્કાઇનો અલગ અંદાજ જોવા મળ્યો
સૂર્યકુમાર યાદવને ન્યૂઝીલેન્ડ સામે બીજી મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે જ્યારે હું બેટિંગ કરવા માટે ગયો તો સ્થિતિથી સામંજસ્ય બેસાડવી મહત્વપૂર્ણ હતી. વોશિંગ્ટન સુંદરના રન આઉટ થયા પછી મેચને અંત સુધી લઇ જવી મહત્વપૂર્ણ હતી. તે મારી ભૂલના કારણે રન આઉટ થયો હતો, ત્યાં રન હતો નહીં. મેં બોલને જોયો ન હતો. આ એક પડકારજનક વિકેટ હતી. અમે વિચાર કર્યો ન હતો કે બીજી ઇનિંગ્સમાં આ રીતે ટર્ન જોવા મળશે. અમારે અંતિમ ઓવરમાં એક જ હિટની જરૂર હતી. અમારે સંયમ જાળવી રાખવો ઘણો મહત્વપૂર્ણ હતો. હાર્દિક પંડ્યા આવ્યો અને મને કહ્યું કે તુ આ બોલ પર ફિનિશ કરી દેજે. તેનાથી મને ઘણો આત્મવિશ્વાસ મળ્યો હતો.
બીજી ટી-20માં ભારતનો 6 વિકેટે વિજય
બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી-20માં 6 વિકેટે વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 8 વિકેટે 99 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.