Virat Kohli Records: ભારતે આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. ટીમ ઇન્ડિયાએ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે 4 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતની જીતમાં વિરાટ કોહલીની મહત્વની ભૂમિકા રહી હતી. કોહલીએ 6 ફોર અને 4 સિક્સરની મદદથી 53 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા.
પોતાની આ ઇનિંગ્સ સાથે કોહલીએ 23 ઓક્ટોબરની તારીખને ફરીથી પોતાના માટે ખાસ બનાવી દીધી છે. કોહલી અત્યાર સુધી 4 વખત 23 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો છે અને ક્યારેય આઉટ થયો નથી. કોહલીએ ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ પછી હવે પાકિસ્તાનની ધોલાઇ કરીછે.
23 ઓક્ટોબરના દિવસે કોહલીનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદર્શન
- 23 ઓક્ટોબર 2011 – મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે એકદિવસીય મેચમાં અણનમ 86 રન બનાવ્યા.
- 23 ઓક્ટોબર 2013 – રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પલેક્સમાં ઓસ્ટ્રેલિયા સામે એકદિવસીય મેચમાં બેટિંગની તક મળી ન હતી.
- 23 ઓક્ટોબર 2016 – મોહાલીમાં ન્યૂઝીલેન્ડ સામે એકદિવસીય મેચમાં અણનમ 154 રન બનાવ્યા હતા.
- 23 ઓક્ટોબર 2022 – મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન સામે ટી-20 ક્રિકેટમાં અણનમ 82 રનની ઇનિંગ્સ રમી હતી.
આ પણ વાંચો – ભારતની જીતના આ ચાર હિરો, એક દિવસ પહેલા જ આવી ગઇ દેશમાં દિવાળી
કોહલીએ સચિનનો રેકોર્ડ પણ તોડ્યો
વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડ્યો હતો. તે આઈસીસી ટૂર્નામેન્ટમાં 50 કે તેનાથી વધારે સ્કોર કરવાના મામલામાં દુનિયામાં પ્રથમ નંબરે પહોંચી ગયો છે. કોહલીએ આઈસીસી ટૂર્નામેન્ટમાં 24મી વખત 50 કે તેનાથી વધારે સ્કોર બનાવ્યો છે. સચિનના નામે 23 વખત 50 કે તેનાથી વધારે સ્કોરનો રેકોર્ડ હતો. સચિને આઈસીસી ટૂર્નામેન્ટ્સમાં 7 સદી અને 16 અડધી સદી ફટકારી છે. કોહલીના નામે 2 સદી અને 22 અડધી સદી છે.