India vs Pakistan : વિરાટ કોહલીના લડાયક અણનમ 82 અને હાર્દિક પંડ્યાના 40 રનની મદદથી ભારતે આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 159 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 160 રન બનાવી લીધા હતા. શ્વાસ થંભાવી દે તેવી મેચમાં ભારતે અંતિમ ઓવરમાં વિજય મેળવ્યો હતો. વિરાટ કોહલી સિવાય અન્ય 3 ખેલાડીઓનો પણ જીતમાં મહત્વનો ફાળો છે.
વિરાટ કોહલી
વિરાટ કોહલી શા માટે દુનિયાનો નંબર વન બેટ્સમેન અને કિંગ કોહલી કહેવામાં આવે છે તે ફરી એક વખત સાબિત કરી બતાવ્યું છે. એકસમયે ભારતે 31 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. રનરેટ પણ વધી રહી હતી. ભારતીય પ્રશંસકો પણ નિરાશ થઇ રહ્યા હતા. અહીંથી વિરાટે બાજી સંભાળી હતી. વિરાટ કોહલીએ 53 બોલમાં 6 ફોર 4 સિક્સર સાથે અણનમ 82 રન બનાવી ટીમ ઇન્ડિયાને રોમાંચક જીત અપાવી હતી.
આ પણ વાંચો – કિંગ કોહલીની લડાયક બેટિંગ, ભારતે પાકિસ્તાનને પછાડ્યું
હાર્દિક પંડ્યા
હાર્દિંક પંડ્યાએ બોલિંગ અને બેટિંગમાં બન્ને મોરચે શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયાની જીતમાં મહત્વનો રોલ ભજવ્યો હતો. પહેલા હાર્દિકે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ પછી બેટિંગમાં પણ રંગ રાખ્યો હતો. કોહલી અને વિરાટે 78 બોલમાં 113 રનની ભાગીદારી નોંધાઇ હતી. હાર્દિકે 37 બોલમાં 1 ફોર, 2 સિક્સર સાથે 40 રન બનાવ્યા હતા.
અર્શદીપ સિંહ
અર્શદીપ સિંહે પાકિસ્તાનના ઓપનર બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને સસ્તામાં આઉટ કરીને પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. બન્ને સસ્તામાં આઉટ થતા પાકિસ્તાન વધારે સ્કોર બનાવી શક્યું ન હતું. આ પછી આસિફ અલીને આઉટ કરી મેચમાં 3 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 32 રન આપી 3 વિકેટ ઝડપી હતી.
ભુવનેશ્વર કુમાર
પાકિસ્તાનના બેટ્સમેનોને કાબુ રાખવામાં ભુવનેશ્વર કુમારનો પણ મહત્વનો રોલ રહ્યો હતો. ભુવનેશ્વરે ભલે એક વિકેટ ઝડપી હોય પણ તેને શાનદાર બોલિંગે પાકિસ્તાનના બેટ્સમેનોને છૂટથી રન બનાવવા દીધા ન હતા. ભુવનેશ્વરે 4 ઓવરમાં 22 રન આપી 1 વિકેટ ઝડપી હતી.