IND vs SL 1st t20 Score : દીપક હુડાના આક્રમક 41 રન પછી ડેબ્યૂ મેચમાં શિવમ માવીના (Shivam Mavi) તરખાટ (4 વિકેટ)ની મદદથી ભારતે શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં 2 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા 20 ઓવરમાં 160 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ભારતે આ જીત સાથે 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી ટી-20 મેચ 5 જાન્યુઆરીએ રમાશે.
શિવમ માવીનો તરખાટ
ડેબ્યૂ કરી રહેલા શિવમ માવીએ નિશંકાને 1 અને ધનંજય ડી સિલ્વાને 8 રને આઉટ કરી શરૂઆતી બે ઝટકા આપ્યા હતા. આ પછી શ્રીલંકાએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. શ્રીલંકા તરફથી સૌથી વધારે રન કેપ્ટન દાસુન શનાકાએ બનાવ્યા હતા. શનાકાએ 27 બોલમાં 3 ફોર, 3 સિક્સર સાથે 45 રન બનાવ્યા હતા. ભારત તરફથી શિવમ માવીએ 4 ઓવરમાં 22 રન આપી 4 વિકેટ ઝડપી હતી. ઉમરાન મલિક અને હર્ષલ પટેલે 2-2 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો – BCCIએ વર્લ્ડ કપ માટે 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા, હવે યો-યો ટેસ્ટ પછી Dexa પણ રહેશે પસંદગી પ્રક્રિયાનો ભાગ
શુભમન ગિલ અને શિવમ માવીનું ડેબ્યૂ
શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમમાં શુભમન ગિલ અને શિવમ માવીએ ડેબ્યૂ કર્યું હતું. ટી-20માં ડેબ્યૂ કરનાર શુભમન ગિલ ખાસ કમાલ કરી શક્યો ન હતો અને 7 રને આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ 7 અને સંજુ સેમસન 5 રને ભારતે 46 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.
દીપક હુડા અને અક્ષર પટેલે બાજી સંભાળી
ઇશાન કિશને એક છેડો સાચવી રાખી 29 બોલમાં 37 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 29 રન બનાવ્યા હતા. આ પછી દીપક હુડા અને અક્ષર પટેલે આક્રમક બેટિંગ કરી હતી. દીપક હુડાએ 23 બોલમાં 1 ફોર 4 સિક્સર સાથે અણનમ 41 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 20 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા. બન્ને વચ્ચે 68 રનની ભાગીદારી નોંધાઇ હતી.