ભારતીય ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો ત્યારે આજની સવાર ભારતીય ફેન્સ માટે નિરાશાથી ભરેલી હતી. જોકે, ભારતીય ફેન્સને રવિવારે સાંજે હોકી ફિલ્ડમાંથી સારા સમાચાર મળ્યા છે. ભારતની જુનિયર હોકી ટીમે રવિવારે સુલતાન ઓફ જોહોર કપમાં ગ્રેટ બ્રિટન સામે 6-4થી જીત મેળવીને ટુર્નામેન્ટ જીતી લીધી હતી. ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમે શનિવારે જાપાનને 4-2થી હરાવીને સુલતાન જોહોર કપમાં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી.
ભારત તરફથી છ ગોલ થયા
મેચમાં ભારત તરફથી મોહમ્મદ કોનૈન, દિલરાજ સિંહ, શારદા નંદ તિવાલી અને મનમીત સિંહે ગોલ કર્યા હતા. ગ્રેટ બ્રિટન તરફથી રોરી પેનરોઝ અને માઈકલ રોયડેને બે-બે ગોલ કર્યા હતા.
બ્રિટને પ્રથમ ગોલ કર્યો હતો
મેચનો પ્રથમ ગોલ બ્રિટને કર્યો હતો. તેમના તરફથી રમતની બીજી મિનિટે પેનરોઝે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવ્યો હતો. જોકે, પેનલ્ટી કોર્નર ગોલથી ભારતે થોડી જ વારમાં બરાબરી કરી લીધી હતી.
બ્રિટને 15મી મિનિટે પેનરોઝના ગોલની મદદથી લીડ મેળવી હતી. જોકે, ભારતે બીજા ક્વાર્ટરમાં પ્રભુત્વ જમાવ્યું હતું અને સતત ત્રણ ગોલ કર્યા હતા. સ્ટ્રાઈકર દિલરાજે 17મી મિનિટે ગોલ કરીને સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો હતો. ત્યાર બાદ શારદા નંદે દિલરાજની મદદથી પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ભારતને મેચમાં પ્રથમ વખત લીડ અપાવી હતી. તેણે 26મી મિનિટે મનપ્રીતને ગોલ કરવામાં મદદ કરી અને ભારતને 4-2થી આગળ કર્યું હતું.
ત્રીજા ક્વાર્ટરમાં બંને ટીમોને પેનલ્ટી કોર્નર મળ્યા હતા પરંતુ તેઓ તેનો લાભ મેળવી શક્યા ન હતા. બ્રિટને ચોથા ક્વાર્ટરની શરૂઆતમાં રોયડેનના ગોલની મદદથી વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો.
ભારતને 50મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો. ઇન-ફોર્મ ડ્રેગફ્લિકર શારદા નંદે તક ગુમાવી નહીં અને ગોલ કર્યો હતો. થોડી સેકન્ડ બાદ દિલરાજે ફિલ્ડ ગોલ કરીને સ્કોર 6-3થી ભારતની તરફેણમાં કરી દીધો હતો. રોયડેને તેનો બીજો અને બ્રિટન માટે ચોથો ગોલ 59મી મિનિટે કર્યો હતો પરંતુ આનાથી હારનો માર્જિન જ ઘટાડી શકાયો હતો. ભારતે સતત બીજી મેચ જીતીને ત્રણ મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યા છે.