બોલરોના શાનદાર પ્રદર્શન પછી કેએલ રાહુલની અણનમ અડધી સદી (75) અને રવિન્દ્ર જાડેજાના અણનમ 45 રનની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન-ડેમાં 5 વિકેટે વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયા 35.4 ઓવરમાં 188 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 39.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી વન-ડે 19 માર્ચે રમાશે.
રાહુલ અને જાડેજાએ 108 રનની ભાગીદારી નોંધાવી
ટીમ ઇન્ડિયાનો ઓપનર ઇશાન કિશન 3 રને આઉટ થતા શરૂઆત ખરાબ રહી હતી. વિરાટ કોહલી (1), સૂર્યકુમાર યાદવ (0) અને શુભમન ગિલ (20) સસ્તામાં આઉટ થતા ભારતે 39 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ બાજી સંભાળી હતી. આ જોડીને સ્ટોઇનિસે તોડી હતી. હાર્દિક 25 રને કેચ આઉટ થયો હતો. આ પછી રાહુલ અને જાડેજાએ 108 રનની ભાગીદારી નોંધાવી ટીમની જીત અપાવી હતી. રાહુલ 91 બોલમાં 7 ફોર 1 સિક્સર સાથે 75 અને જાડેજા 69 બોલમાં 5 ફોર સાથે 45 રન બનાવી અણનમ રહ્યા હતા.
મિચેલ માર્શના 65 બોલમાં 81 રન
ભારતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટ્રેવિસ હેડ 5 રને સિરાજે બોલ્ડ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. કેપ્ટન સ્મિથ (22)અને લાબુશેન (15) સસ્તામાં આઉટ થયા હતા. મિચેલ માર્શે એક છેડો સાચવી રાખતા 65 બોલમાં 10 ફોર અને 5 સિક્સર સાથે 81 રન બનાવ્યા હતા. તે જાડેજાનો શિકાર બન્યો હતો. જોશ ઇનગિલ્સે 26 અને કેમરૂન ગ્રીને 12 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો – ઋષભ પંત ઝડપથી થઇ રહ્યો છે સ્વસ્થ , સ્વિમિંગ પૂલમાં વોક કરતો જોવા મળ્યો, જુઓ VIDEO
આ પછી કોઇ બેટ્સમેન ખાસ કમાલ કરી શક્યો ન હતો અને ટીમ 188 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાને 2 વિકેટ, જ્યારે હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત – શુભમન ગિલ, ઇશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા – ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, સ્ટિવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, કેમરુન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, જોશ ઇંગલિસ, સીન એબોટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.