ભારત વિ. ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ : રવિન્દ્ર જાડેજા આંગળી પર ક્રીમ લગાવતો જોવા મળ્યો, વીડિયો વાયરલ થયા પછી છેડાઇ નવી ચર્ચા

Ravindra Jadeja : રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે તરખાટ મચાવતા 5 વિકેટ ઝડપી, ઓસ્ટ્રેલિયાના મીડિયામાં ચર્ચા છેડાઇ છે કે ભારતીય સ્પિનર શું કરી રહ્યો હતો

Written by Ashish Goyal
Updated : February 10, 2023 13:49 IST
ભારત વિ. ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ : રવિન્દ્ર જાડેજા આંગળી પર ક્રીમ લગાવતો જોવા મળ્યો, વીડિયો વાયરલ થયા પછી છેડાઇ નવી ચર્ચા
રવિન્દ્ર જાડેજા દ્વારા પોતાની આંગળી પર ક્રીમ લગાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે (Screengrab/Twitter)

India vs Australia, 1st Test Match: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાય રહેલી પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે રવિન્દ્ર જાડેજા દ્વારા પોતાની આંગળી પર ક્રીમ લગાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ટિમ પેને તેને રસપ્રદ ગણાવ્યું. આ પછી ઓસ્ટ્રેલિયાના મીડિયામાં ચર્ચા છેડાઇ છે કે ભારતીય સ્પિનર શું કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર રવિન્દ્ર જાડેજાનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે 5 વિકેટ ઝડપી હતી. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 11મી વખત 5 વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયા સામે ચોથી વખત 5 વિકેટ ઝડપી છે.

જોકે જાણકાર સૂત્રોએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે જાડેજા પોતાની આંગળી પર ફક્ત મલમ લગાવી રહ્યો હતો. આ સામાન્ય પ્રેક્ટિસ છે અને આઈસીસીની પ્લેઇંગ કંડીશન્સમાં તેની મંજૂરી છે. સમજી શકાય છે કે આ ગતિવિધિ મેચ અધિકારીઓના શંકાના દાયરામાં આવી નથી. આટલું જ નહીં કેટલાક બેટ્સમેનો હાથમાં ચીકાશ બનાવી રાખવા માટે ઓવરો વચ્ચે ગ્રિપિંગ ક્રીમનો ઉપયોગ કરે છે. આઈસીસી તેનો ઉપયોગ કરવાની છૂટ આપે છે.

એક ટ્વિટર યૂઝરે લખ્યું કે તમે આ વિશે શું વિચારો છો ટિમ પેન. એવું લાગે છે કે એક ખેલાડી બોલિંગ ગ્રિપ બનાવી રહ્યો છે. મારું માનવું છે કે તે પોતાની સ્પિનિંગ આંગળી પર રગડી રહ્યો છે? ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ટિમ પેને ટ્વિટર યુઝરનો એક શબ્દમાં જવાબ આપ્યો. પેને લખ્યું કે રસપ્રદ. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને ટ્વિટ કર્યું કે તે પોતાની સ્પિનિંગ આંગળી પર શું લગાવી રહ્યો છે? આવું ક્યારેય જોયું નથી.

આ પણ વાંચો – રવિન્દ્ર જાડેજાની 7 મહિના પછી ધમાકેદાર વાપસી, ટેસ્ટ કારકિર્દીમાં 11મી વખત 5 વિકેટ ઝડપી

લાંબા સમય પછી એક્શનમાં પાછા ફરવા પર બોલરોને થાય છે પરેશાની

બોલિંગમાં કેટલાક સ્પિનર જે લાંબા સમય પછી એક્શનમાં પાછા ફરે છે તેમને પોતાની આંગળીમાં ટેંડર ઇશ્યૂ (ચામડી મુલાયમ પડી જવી)નો સામનો કરવો પડી શકે છે. ચામડીને ફાટવાથી બચાવવા માટે તે ક્રીમનો ઉપયોગ કરે છે. ટ્વિટર પર શેર કરાયેલા ફૂટેજમાં રવિન્દ્ર જાડેજા મોહમ્મદ સિરાજના હાથથી કશુંક લેતા અને પોતાની આંગળી પર લગાવતો જોવા મળે છે. આ પછી રોહિત શર્મા સાથે ચર્ચા દરમિયાન પણ ઓલરાઉન્ડર જાડેજા પોતાની આંગળી પર થોડા સમય માટે રગડતા જોવા મળે છે.

પ્રથમ દિવસે ભારતે પકડ મજબૂત બનાવી

રવિન્દ્ર જાડેજા (5 વિકેટ)અને અશ્વિનના (3 વિકેટ)તરખાટ બાદ રોહિત શર્માની અણનમ અડધી સદીની (56)મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. ભારતે પ્રથમ દિવસના અંતે 1 વિકેટ ગુમાવી 77 રન બનાવી લીધા છે. ભારત હજુ 100 રન પાછળ છે અને તેની 9 વિકેટો બાકી છે. દિવસના અંતે રોહિત શર્મા 56 અને અશ્વિન 00 રને રમતમાં છે. કેએલ રાહુલ 20 રને આઉટ થયો હતો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ