સ્ટાર્કનો તરખાટ, બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ 11 ઓવરમાં જ વિજય મેળવી લીધો, શ્રેણી 1-1થી સરભર

India vs Australia 2nd ODI Match : ટીમ ઇન્ડિયાનો 10 વિકેટે પરાજય, મિચેલ માર્શના 36 બોલમાં 6 ફોર અને 6 સિક્સરની મદદથી અણનમ 66 રન, ટ્રેવિસ હેડના 30 બોલમાં 10 ફોર સાથે અણનમ 51 રન, સ્ટાર્કની 5 વિકેટ

Written by Ashish Goyal
Updated : March 19, 2023 17:45 IST
સ્ટાર્કનો તરખાટ, બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ 11 ઓવરમાં જ વિજય મેળવી લીધો, શ્રેણી 1-1થી સરભર
બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે વિજય મેળવ્યો (તસવીર - ટ્વિટર)

મિચેલ સ્ટાર્ક (5 વિકેટ)ના તરખાટ બાદ મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડની આક્રમક અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ બીજી વન-ડેમાં ભારત સામે 10 વિકેટે વિજય મેળવ્યો છે. ભારત 26 ઓવરમાં 117 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 11 ઓવરમાં વિના વિકેટે 121 રન બનાવી લીધા હતા. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ વન-ડે 22 માર્ચે ચેન્નઇમાં રમાશે.

મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડની આક્રમક અડધી સદી

મિચેલ માર્શે 36 બોલમાં 6 ફોર અને 6 સિક્સરની મદદથી અણનમ 66 રન બનાવ્યા હતા. જ્યારે ટ્રેવિસ હેડે 30 બોલમાં 10 ફોર સાથે અણનમ 51 રન બનાવ્યા હતા. બન્નેએ 11 ઓવરમાં વિના વિકેટે 121 રન બનાવી ટીમને જીત અપાવી હતી.

ભારતના ટોપ ઓર્ડરનો ધબડકો

ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. શુભમન ગિલ પ્રથમ ઓવરમાં જ 00 રને સ્ટાર્કનો શિકાર બન્યો હતો. રોહિત શર્મા (13), સૂર્યકુમાર યાદવ (00), કેએલ રાહુલ (09) અને હાર્દિક પંડ્યા (01) સસ્તામાં આઉટ થતા ભારતે 49 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. સૂર્યકુમાર યાદવ સતત બીજી વખત ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. વિરાટ કોહલીએ સૌથી વધારે 31 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે અણનમ 29 અને રવિન્દ્ર જાડેજાએ 16 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 5 વિકેટ ઝડપી હતી. શેન એબોટે 3 અને નાથન એલિસે 2 વિકેટ ઝડપી હતી.

બન્ને ટીમમાં બે-બે ફેરફાર કરાયા

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બન્ને ટીમમાં બે-બે ફેરફાર કરાયા હતા. ભારતની ટીમમાં ઇશાન કિશન શાર્દુલ ઠાકુરના સ્થાને રોહિત શર્મા અને અક્ષર પટેલની વાપસી થઇ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં ગ્લેન મેક્સવેલ અને જોશ ઇંગલિસના સ્થાને નાથન એલિસ અને એલેક્સ કેરીનો સમાવેશ કરાયો હતો.

આ પણ વાંચો – હાર્દિક પંડ્યાએ પોતાના ટેસ્ટ ક્રિકેટના ભવિષ્યને લઇને કરી આવી વાત

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત – શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા – ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, સ્ટિવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, કેમરુન ગ્રીન, નાથન એલિસ , માર્કસ સ્ટોઇનિસ, એલેક્સ કેરી, સીન એબોટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ