મિચેલ માર્શના 47 રન પછી એડમ ઝમ્પા (4 વિકેટ)ની શાનદાર બોલિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની ત્રીજી વન-ડેમાં 21 રને વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયા 49 ઓવરમાં 269 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારત 49.1 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં 2-1થી વિજય મેળવ્યો છે. માર્ચ 2019 પછી ટીમ ઇન્ડિયા ઘરઆંગણે વન-ડે શ્રેણી હાર્યું છે. છેલ્લા 4 વર્ષમાં ભારતીય ટીમે સતત 7 શ્રેણી જીતી હતી. 2019માં પણ ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાનો વિજય રથ રોક્યો હતો. ત્યારે ભારતીય ટીમે સતત 6 શ્રેણી જીતી હતી.
રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે 65 રનની ભાગીદારી
રોહિત શર્મા અને શુભમન ગિલે 9.1 ઓવરમાં 65 રનની ભાગીદારી નોંધાવી શાનદાર શરૂઆત અપાવી હતી. જોકે આ પછી રોહિત 30 અને શુભમન 37 રને આઉટ થયા હતા. ચોથા ક્રમે આવેલા કેએલ રાહુલે 32 રન બનાવ્યા હતા. અક્ષર પટેલને આગળ મોકલવાનો નિર્ણય ફળ્યો ન હતો. તે 2 રને રન આઉટ થયો હતો. વિરાટ કોહલીએ એક છેડો સાચવી રાખતા 61 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે અડધી સદી પુરી કરી હતી. જોકે અડધી સદી ફટકારી વિરાટ કોહલી 54 રને અગરનો શિકાર બન્યો હતો. સૂર્યકુમાર યાદવ સતત ત્રીજી મેચમાં પ્રથમ બોલે શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ 40 બોલમાં 40 રન બનાવી બાજી સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેના આઉટ થયા પછી જીતની આશાનો અંત આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ 4 વિકેટ, જ્યારે અગરે 2 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમમાં કેમરૂન ગ્રીનના સ્થાને ડેવિડ વોર્નરનો સમાવેશ કરાયો હતો. ટ્રેવિસ હેડ (33)અને મિચેલ માર્શ (47)વચ્ચે પ્રથમ વિકેટ માટે 68 રનની ભાગીદારી નોંધાઇ હતી. સ્ટિવન સ્મિથ ખાતું ખોલાયા વિના આઉટ થયો હતો. ચોથા ક્રમે આવેલો ડેવિડ વોર્નર 23 રને કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો.
આ પણ વાંચો – શાહિદી આફ્રિદીએ કહ્યું – હું મોદી સાહેબને ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ થવા દેવાની વિનંતી કરીશ
લાબુશેને 28, એલેક્સ કેરીએ 38 અને સ્ટોઇનિસે 25 રન બનાવ્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલને 2-2 વિકેટ મળી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત – શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા – ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, સ્ટિવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, કેમરુન ગ્રીન, નાથન એલિસ , માર્કસ સ્ટોઇનિસ, એલેક્સ કેરી, સીન એબોટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.