ઉસ્માન ખ્વાજા (180) અને કેમરૂન ગ્રીનની સદી (114)ની મદદથી ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં બીજા દિવસના અંતે સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયાના 480 રનના જવાબમાં ભારતે બીજા દિવસના અંતે વિના વિકેટે 36 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 17 અને શુભમન ગિલ 18 રને રમતમાં છે. ભારત હજુ 444 રન પાછળ છે અને તેની 10 વિકેટો બાકી છે.
રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમ ઇન્ડિયાને સારી શરૂઆત અપાવી છે. દિવસના અંત સુધી તેમણે પોતાની વિકેટ ટકાવી રાખી છે. રોહિત શર્માએ 33 બોલમાં 17 અને શુભમન ગિલ 27 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 18 રને રમતમાં છે.
ઉસ્માન ખ્વાજાના 180 રન, કેમરુન ગ્રીનની સદી
ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસની શરૂઆત 4 વિકેટે 255 રનથી કરી હતી. ઉસ્માન ખ્વાજા અને કેમરુન ગ્રીને ભારતીય બોલરોને વિકેટ માટે તરસાવ્યા હતા. 114 રન બનાવી કેમરુન ગ્રીન અશ્વિનનો શિકાર બન્યો હતો. પાંચમી વિકેટ માટે બન્નેએ 208 રનની ભાગીદારી નોંધાવી હતી. એલેક્સ કેરી (00) અને મિચેલ સ્ટાર્ક (6) સસ્તામાં આઉટ થયા હતા. આ પછી શાનદાર બેટિંગ કરી રહેલો ઉસ્માન ખ્વાજા અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. ખ્વાજાએ 422 બોલમાં 21 ફોર સાથે 180 રન બનાવ્યા હતા. ભારત તરફથી અશ્વિને સૌથી વધારે 6 વિકેટ ઝડપી હતી. શમીએ 2 વિકેટ જ્યારે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને 1-1 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો – ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં કેમ બનાવવામાં આવી રહી છે ટર્નિંગ ટ્રેક, સુનીલ ગાવસ્કરે કર્યો ચોંકાવનારો ખુલાસો
ઉસ્માન ખ્વાજાની ઐતિહાસિક ઇનિંગ્સ
ઉસ્માન ખ્વાજાએ વિદેશી ધરતી પર પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે. આ સિવાય ખ્વાજાએ એવી સિદ્ધિ મેળવી છે જે રિકી પોન્ટિંગ, મેથ્યુ હેડન અને માઇકલ ક્લાર્ક જેવા દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મેળવી શક્યા નથી. ખ્વાજા એશિયામાં એકથી વધારે વખત 150 કે તેનાથી વધારે રનની ઇનિંગ્સ રમનાર ત્રીજો ઓસ્ટ્રેલિયન બન્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડર અને ગ્રાહમ નીલ યલોપે આવી સિદ્ધિ મેળવી છે. ખ્વાજાએ અમદાવાદ ટેસ્ટમાં 180 રન બનાવ્યા છે. આ પહેલા તેણે 2022માં કરાચીમાં 160 રન બનાવ્યા હતા.