IND VS BAN 2ND ODI Match 2022 Score: મહેદી હસન મિરાજની શાનદાર સદી(100) અને મહમુદુલ્લાહ (77)ની અડધી સદીની મદદથી બાંગ્લાદેશે ભારત સામે બીજી વન-ડેમાં 5 રને વિજય મેળવ્યો છે. બાંગ્લાદેશે 50 ઓવરમાં 7 વિકેટે 271 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 50 ઓવરમાં 9 વિકેટે 266 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે બાંગ્લાદેશે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ મેળવી લીધી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 10 ડિસેમ્બરે ત્રીજી વન-ડે રમાશે.
મહમદુલ્લાહ અને મહેદી હસને 148 રનની ભાગીદારી નોંધાવી
બાંગ્લાદેશ 2015 પછી હવે 2022માં ભારત સામે કોઇ શ્રેણી જીતવા સફળ રહ્યું છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અનામુલ હક 11, લિટ્ટન દાસ 7 અને શાકિબ હસન 8 રને આઉટ થતા બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી. એકસમયે 69 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી મહમદુલ્લાહ અને મહેદી હસને બાજી સંભાળી હતી. બન્નેએ સાતમી વિકેટ માટે 148 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 3 વિકેટ, જ્યારે મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિકે 2-2 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો – ભારત વિ. બાંગ્લાદેશ પ્રથમ વન-ડે: મહેંદી હસનની લડાયક બેટિંગ, બાંગ્લાદેશનો ટીમ ઇન્ડિયા સામે 1 વિકેટે રોમાંચક વિજય
ઇજાગ્રસ્ત રોહિત શર્માની લડાયક બેટિંગ
જવાબમાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. વિરાટ કોહલી, શિખર ધવન અને કેએલ રાહુલ સસ્તામાં આઉટ થયા હતા. આ પછી શ્રેયસ ઐયરે 82 અને અક્ષર પટેલે 56 રન બનાવી બાજી સંભાળી હતી. આ પછી ઇજાગ્રસ્ત રોહિત શર્મા નવમાં ક્રમાંકે બેટિંગમાં આવ્યો હતો અને 28 બોલમાં આક્રમક 51 રન ફટકાર્યા હતા. જોકે તે ટીમને જીત અપાવી શક્યો ન હતો.
બાંગ્લાદેશ તરફથી ઇબાદત હુસૈને સૌથી વધારે 3 વિકેટો ઝડપી હતી. મહેદી હસન અને શાકિબ અલ હસનને 2-2 વિકેટ મળી હતી.