IND vs NZ: વિરાટ કોહલીની નજર સચિનના વધુ એક રેકોર્ડ તોડવા પર, રોહિત શર્મા પાસે ધોનીને પાછળ છોડવાની તક

India vs New Zealand Series : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જાન્યુઆરીથી વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 113 વન-ડે રમાઇ છે. જેમાં ટીમ ઇન્ડિયાનો 55 મેચમાં વિજય થયો છે

Written by Ashish Goyal
Updated : January 17, 2023 19:26 IST
IND vs NZ: વિરાટ કોહલીની નજર સચિનના વધુ એક રેકોર્ડ તોડવા પર, રોહિત શર્મા પાસે ધોનીને પાછળ છોડવાની તક
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જાન્યુઆરીથી વન-ડે શ્રેણીની શરૂઆત થઇ રહી છે

India vs New Zealand, ODI Series: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જાન્યુઆરીથી વન-ડે શ્રેણીની શરૂઆત થઇ રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં વિરાટ કોહલીની નજર સચિન તેંડુલકરના વધુ એક રેકોર્ડ તોડવા તરફ રહેશે. બીજી તરફ રોહિત શર્મા પાસે પણ એમએસ ધોનીને પાછળ છોડવાની તક છે.

વિરાટ કોહલી એકદિવસીય મુકાબલામાં ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેટ્સમેનોમાં હાલ બીજા સ્થાને છે. પ્રથમ નંબરે સચિન તેંડુલકર છે. સચિને પોતાની કારકિર્દીમાં ન્યૂઝીલેન્ડ સામે 42 વન-ડેમાં 46.05ની એવરેજથી 1750 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 8 અડધી સદી સામેલ છે.

વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે 5 સદી અને 8 અડધી સદી ફટકારી

વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે અત્યાર સુધી 26 વન-ડેમાં 59.91ની એવરેજથી 1378 રન બનાવ્યા છે. તેણે 5 સદી અને 8 અડધી સદી ફટકારી છે. જો આગામી શ્રેણીમાં વિરાટ કોહલી એક સદી અને એક અડધી સદી ફટકારશે તો તે સચિન તેંડુલકરના રેકોર્ડને તોડી નાખશે. જો વિરાટ કોહલી શ્રેણીમાં બે સદી ફટકારશે તો તે ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધારે વન-ડે સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની જશે. હાલ આ રેકોર્ડ વીરેન્દ્ર સેહવાગના નામે છે. સેહવાગે 23 વન-ડેમાં ન્યૂઝીલેન્ડ સામે 6 સદી ફટકારી છે.

આ પણ વાંચો – ભારતીય ટીમ હવે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે, આવો છે કાર્યક્રમ, એક ટી-20 મેચ અમદાવાદમાં રમાશે

રોહિત શર્મા પાસે ધોનીને પાછળ છોડવાની તક

રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધારે રન બનાવનાર ભારતીયોમાં 9માં સ્થાને છે. રોહિતે ન્યૂઝીલેન્ડ સામે 24 વન-ડેમાં 33.47ની એવરેજથી 703 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 4 અડધી સદી સામેલ છે. રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં જો 238 રન બનાવી લેશે તો તે એમએસ ધોનીને પાછળ રાખી દેશે. ધોનીએ વન-ડેમાં ન્યૂઝીલેન્ડ સામે 28 મેચમાં 49.47ની એવરેજથી 940 રન બનાવ્યા છે.

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે 113 વન-ડે રમાઇ છે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 1975થી અત્યાર સુધી 113 વન-ડે રમાઇ છે. જેમાં ટીમ ઇન્ડિયાનો 55 મેચમાં વિજય થયો છે. જ્યારે 50 મેચમાં પરાજય થયો છે. એક મેચ ટાઇ રહી છે અને 7 મેચનું કોઇ પરિણામ આવ્યું નથી. જાન્યુઆરી 2022થી અત્યાર સુધી બન્ને વચ્ચે 3 વન-ડે રમાઇ છે. જેમાં ભારતીય ટીમ એકપણ મેચ જીતી શકી નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ