India vs Pakistan T20 Asia Cup 2025: ટી-20 એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા છે અને ભારતને જીતવા માટે 128 રનનો ટાર્ગેટ આપ્યો છે.
પાકિસ્તાની રાષ્ટ્રગાન પહેલા બીજુ ગીત વાગ્યું
જ્યારે પણ ક્રિકેટ મેદાન પર બે ટીમો વચ્ચે મેચ હોય છે ત્યારે બંને દેશોનું રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પહેલા પાકિસ્તાનનું રાષ્ટ્રગીત વગાડવાનું હતું આ પછી ભારતનું. પરંતુ જ્યારે પાકિસ્તાની રાષ્ટ્રગીત વગાડવાનો વારો આવ્યો ત્યારે તે પહેલાં એક અલગ આઇટમ સોંગ વગાડવામાં આવ્યું. આ ગીત લગભગ ચાર સેકન્ડ સુધી વાગ્યું. આ પછી મૂંઝવણની સ્થિતિ સર્જાઈ. પછી તરત જ આ ભૂલ સુધારી લેવામાં આવી અને પાકિસ્તાનનું સાચું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું.
એશિયા કપ 2025 માં બંને ટીમોએ જીત સાથે શરૂઆત કરી
ભારત અને પાકિસ્તાન બંને ટીમો ખૂબ જ સારા ફોર્મમાં છે. વર્તમાન એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમે તેમની પહેલી મેચમાં UAE ટીમને 9 વિકેટથી હરાવી હતી. બીજી તરફ પાકિસ્તાને પોતાની પહેલી મેચમાં ઓમાનને 93 રનથી હરાવ્યું હતું.
ભારતીય ટીમ એશિયા કપ 2025નો ખિતાબ જીતવાની દાવેદાર
સૂર્યકુમાર યાદવને ટી-20 એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની કમાન સોંપવામાં આવી છે. શુભમન ગિલને ઉપ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમમાં સ્ટાર ખેલાડીઓ છે, જે ફક્ત થોડા બોલમાં મેચનો માર્ગ બદલવામાં માહિર છે. ભારતીય ટીમ ICC T20 પુરુષ ટીમ રેન્કિંગમાં નંબર વન પર છે અને એશિયા કપ 2025નો ખિતાબ જીતવાની મજબૂત દાવેદાર છે. બીજી તરફ, પાકિસ્તાની ટીમે તાજેતરમાં ત્રિકોણીય શ્રેણીનો ખિતાબ જીત્યો છે.





