India vs Sri Lanka 2nd T20 : શ્રીલંકા સામેની બીજી ટી-20 મેચ ભારતના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ માટે ખરાબ સાબિત થઇ હતી. તેણે આ મેચમાં લાઇન લેન્થ ગુમાવી દીધી હતી. શ્રીલંકા સામે બીજી ટી 20 મેચમાં તેણે પોતાની 2 ઓવરમાં કુલ 5 નો બોલ ફેંક્યા હતા. આ સાથે જ ટી-20 ક્રિકેટમાં અર્શદીપ સિંહના નામને એક ખરાબ રેકોર્ડ નોંધાઇ ગયો છે.
અર્શદીપ સિંહ ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે નો બોલ ફેંકનાર બોલર બન્યો
અર્શદીપ સિંહ આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે નો બોલ ફેંકનાર બોલર બની ગયો છે. આ ફોર્મેટમાં અર્શદીપના કુલ 14 નો બોલ થઇ ગયા છે. આ પહેલા પાકિસ્તાનનો હસન અલી, વેસ્ટ ઇન્ડીઝનો કીમો પોલ અને ઓશેન સ્મિથ 11-11નો બોલ સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને હતા.
અર્શદીપ સિંહે 2 ઓવરમાં જ 5 નો બોલ ફેંક્યા
અર્શદીપ સિંહ મેચમાં ઇનિંગ્સની બીજી ઓવર ફેંકવા આવ્યો હતો. આ ઓવરમાં તેણે સતત ત્રણ નો બોલ ફેંક્યા હતા. તેની આ ઓવરમાં કુલ 21 રન બન્યા હતા. આ પછી બીજી વખત બોલિંગ કરવા આવ્યો ત્યારે ઓવરમાં 2 નો બોલ ફેંક્યા હતા. આમ તેણે 2 ઓવરમાં જ 5 નો બોલ ફેંક્યા હતા. તેણે 2 ઓવરમાં 37 રન આપ્યા હતા.
આ પણ વાંચો – ઋષભ પંતને રવિન્દ્ર જાડેજા જેવી ઇજા, 6 મહિના મેદાનથી રહેશે દૂર
41 દિવસ પછી મેદાનમાં વાપસી
અર્શદીપ સિંહની ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં 41 દિવસ પછી વાપસી થઇ હતી. તેની પાસે આશા હતી કે તે વાપસી પછી શાનદાર બોલિંગ કરશે. જોકે તેણે પ્રથમ મેચમાં નિરાશ કર્યા છે. અર્શદીપ સિંહ 22 ટી-20 મેચમાં 33 વિકેટ ઝડપી ચૂક્યો છે.
બીજી ટી-20 મેચમાં શ્રીલંકાનો વિજય, શ્રેણી 1-1થી બરાબરી પર
દાસુન શનાકાની અણનમ અડધી સદી અને કુશલ મેન્ડિસના 52 રનની મદદથી શ્રીલંકાએ બીજી ટી-20 મેચમાં ભારત સામે 16 રને વિજય મેળવ્યો છે. શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 20 ઓવરમાં 8 વિકેટે 190 રન બનાવી શક્યું હતું. આ સાથે ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબરી પર આવી ગઇ છે. ત્રીજી અને અંતિમ ટી-20 7 જાન્યુઆરીએ રમાશે.ભારત તરફથી અક્ષર પટેલે 31 બોલમાં 65 અને સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 51 રન બનાવ્યા હતા.