Rishabh Pant Injury Update: કાર અકસ્માતમાં ઋષભ પંતના બન્ને ઘૂંટણમાં લિંગામેન્ટ ટિયર થયું છે. તેમાંથી એકની સર્જરી કરવી તાત્કાલિક જરૂર છે. જેથી તેને દેહરાદૂનની હોસ્પિટલમાંથી એરલિફ્ટ કરીને મુંબઈમાં કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. ગત વર્ષે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ આવી રીતે લિંગામેન્ટ ટિયર થયું હતું.
ધ ઇન્ડિયન એક્સપ્રેસને મળેલી જાણકારી પ્રમાણે ઋષભ પંતને આ ઇજામાંથી બહાર આવવા માટે 4 મહિના અને મેદાનમાં પરત ફરવા માટે 6 મહિનાનો સમય લાગશે. જેનો અર્થ છે કે તે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી, ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી, વન-ડે શ્રેણી અને આઇપીએલ-2023માં રમી શકશે નહીં. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ (WTC Final) સુધી ફિટ થઇ શકે છે.
ઋષભ પંતને જલ્દીથી જલ્દી સર્જરીની જરૂર
મેડિકલ એક્સપર્ટ્સના સંપર્કમાં રહેલા બીસીસીઆઈના એક શીર્ષ અધિકારીએ કહ્યું કે ઋષભ પંતનું લિંગામેન્ટ ટિયર રવિન્દ્ર જાડેજાની જેમ છે. તે ગત વર્ષે ઇજાગ્રસ્ત થયો હતો. અધિકારીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે દરેક ખેલાડીનું શરીર અલગ હોય છે પણ પંતનો રિપોર્ટ જોતા અમારા ડોક્ટર કહે છે કે લિંગામેન્ટની ઇજા જાડેજા જેવી છે. પંતેને જલ્દીથી જલ્દી સર્જરીની જરૂર છે. તેને ઠીક થવામાં ચાર મહિનાથી વધારે સમય લાગશે.
આ પણ વાંચો – ઋષભ પંત માટે દેવદૂત બન્યો બસનો ડ્રાઇવર, તેણે જણાવી આખી ઘટના
જૂનમાં યોજાશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ
ઋષભ પંતની વાપસીને લઇને અધિકારીએ કહ્યું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જૂનમાં ઇંગ્લેન્ડમાં છે. ભારત આ માટે ક્વોલિફાઇ કરી શકે છે અમારું ધ્યાન તે તરફ છે. ભારત વર્તમાનમાં ઓસ્ટ્રેલિયા પછી ટેસ્ટ ચેમ્પિયનશિપની રેન્કિંગમાં બીજા સ્થાને છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પહેલા ફિટ થઇ શકે છે.
મુંબઈ લાવવા માટે જય શાહે ઋષભ પંતની માતા સાથે કરી હતી વાતચીત
ઋષભ પંતને મુંબઈ લાવવાને લઇને અધિકારીએ કહ્યું કે બીસીસીઆઈ સચિવ જય શાહે પંતની માતા સાથે વાતચીત કરી હતી અને સમજાવ્યા હતા કે જો મુંબઈમાં બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની સારવાર કરશે તો તે તેના માટે સારું રહેશે. પરિવાર આ માટે તૈયાર થયો હતો.
સ્પોર્ટ્સ ઓર્થોપેડિક સર્જન દિનશો પરદીવાલા કરશે સારવાર
સેન્ટર ફોર સ્પોર્ટ્સ મેડિસિનના પ્રમુખ અને ઓર્થોસ્કોપી એન્ડ શોલ્ડર સર્વિસના નિર્દેશક ડો. દિનશો પરદીવાલાની દેખરેખમાં ઋષભ પંતની ઇજાની સારવાર થશે. કેન્દ્રીય અનુબંધિત ક્રિકેટર હોવાના કારણે ઋષભ પંતની ઇજાની સારવાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કરાવશે. બીસીસીઆઇના નક્કી કરાયેલા ડોક્ટર સારવાર કરે છે.
ઋષભ પંતનો રૂડકી બોર્ડર પાસે અકસ્માત થયો હતો
ઋષભ પંતનો ઉત્તરાખંડમાં રૂડકી બોર્ડર પાસે 30 ડિસેમ્બરે અકસ્માત થયો હતો. દિલ્હીથી રુડકી જતા સમયે કાર ડિવાઇડરથી ટકરાઇ હતી. ભયંકર અકસ્માતમાં તેને પગ, પીઠ અને માથામાં ઇજા પહોંચી છે. અકસ્માત પછી કાર સળગી ગઇ હતી. જોકે પંત કાચ તોડીને બહાર આવી ગયો હતો.