Rishabh Pant Accident News: ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટર ઋષભ પંતનો ઉત્તરાખંડમાં રૂડકી બોર્ડર પાસે અકસ્માત થયો હતો. દિલ્હીથી રુડકી જતા સમયે કાર ડિવાઇડરથી ટકરાઇ હતી. ભયંકર અકસ્માતમાં તેનો જીવ બચ્યો છે. તેને પગ, પીઠ અને માથામાં ઇજા પહોંચી છે. ઋષભ પંત (Rishabh Pant) ની કાર જ્યારે દુર્ઘટનાનો શિકાર થઇ તો તેની પાસે સૌથી પહેલા હરિયાણા રોડવેઝના બસ ડ્રાઇવર સુશીલ માન પહોંચ્યો હતો. સુશીલ માને પંતને ઓળખ્યો ન હતો અને તેણે જલ્દીથી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી.
હરિયાણા રોડવેઝના બસ ડ્રાઇવર સુશીલ માને એનડીટીવીને જણાવ્યું કે તે ક્રિકેટ જોતો નથી તેને ખબર ન હતી કે તે ઋષભ પંત છે. સામે આવી રહેલી હાઇ સ્પીડ એસયૂવી ડિવાઇડરથી ટકરાઇ હતી. એવું લાગ્યું કે તેની ગાડી બસ નીચે આવી જશે. તે બસને સાઇડમાં કરી અને ડિવાઇડર તરફ દોડ્યો હતો.
ઋષભ પંતે ડ્રાઇવરને માતાને ફોન કરવા કહ્યું હતું
બસ ડ્રાઇવર સુશીલ માને જણાવ્યું કે મેં બસને સાઇડમાં લગાવી અને તે તરફ ભાગ્યો હતો. કાર રોકાયા પછી પહેલા ઘણી વખત પલટી મારી હતી. એવું લાગ્યું કે તે બસની નીચે આવી જશે. પંત દરવાજાથી અડધો બહાર હતો. તેણે મને કહ્યું કે તે એક ક્રિકેટર છે. તેણે મને માતાને ફોન કરવા માટે કહ્યું હતું. જેમનો ફોન સ્વિચ ઓફ હતો.
આ પણ વાંચો – ઋષભ પંત ક્યાં સુધી મેદાનથી દૂર રહેશે? લિંગામેન્ટ ઇન્જરીને લઇને ડોક્ટરે આપ્યું નિવેદન
બસમાં સવાર લોકોએ ઋષભ પંતને ઓળખ્યો
બસ ડ્રાઇવરે કહ્યું કે હું ક્રિકેટ જોતો નથી અને મને ખબર ન હતી કે તે ઋષભ પંત છે. જોકે મારી બસમાં સવાર લોકોએ તેને ઓળખી લીધો હતો. પંતને બહાર કાઢ્યા પછી મેં જલ્દીથી કારની અંદર જોયું હતું કે કોઇ અન્ય તો નથીને. મેં એક બેગ અને 7000 થી 8000 રૂપિયા કારમાંથી કાઢ્યા અને એમ્બ્યુલન્સમાં તેને આપ્યા હતા.