Wrestler Protest : વિરોધ કરી રહેલા રેસલર્સની ઝાટકણી કાઢતાં ભારતીય ઓલિમ્પિક સંઘ (આઇઓએ)ના પ્રમુખ પીટી ઉષાએ ગુરુવારે કહ્યું કે રસ્તા પર પ્રદર્શન અનુશાસનહીનતા છે અને તેનાથી દેશની છાપ ખરાબ થઇ રહી છે. સ્ટાર રેસલર્સ વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત અનેક કુસ્તીબાજો જાતીય સતામણી અને ધાકધમકીના આરોપોને લઈને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે જંતર-મંતર પર ધરણા પર બેસ્યા છે. બજરંગે પીટી ઉષાની આ ટિપ્પણી પર નિરાશા વ્યક્ત કરી છે.
પીટી ઉષાએ આઇઓએની કારોબારી સમિતિની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પહેલવાનોનું રસ્તા પર પ્રદર્શન કરવું અનુશાસનહીનતા છે. જેનાથી ભારતની છાપ ખરાબ થઇ રહી છે. આઇઓએએ ચૂંટણી થાય ત્યાં સુધી કુશ્તી મહાસંઘના કામના સંચાલન માટે એક એડ-હોક કમિટિની રચના કરી છે, જેમાં ભૂતપૂર્વ શૂટર સુમા શિરુર, વુશુ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ ભૂપિન્દર સિંઘ બાજવા અને હાઈકોર્ટના નિવૃત્ત જજનો સમાવેશ થાય છે.
પીટી ઉષાની ટિપ્પણી પર બજરંગે વ્યક્ત કરી નિરાશા
બજરંગે પીટી ઉષાની આ ટિપ્પણી પર નિરાશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે કુસ્તીબાજોને તેમની પાસેથી આટલા આકરા જવાબની અપેક્ષા ન હતી. તેમને આશા હતી કે તે તેમને ટેકો આપશે. તે પોતે એક મહિલા છે તેથી અમે અપેક્ષા રાખીએ છીએ કે તે અમારી સાથે ઉભા રહેશે. તેમણે જે કહ્યું તેનાથી મને દુ:ખ થયું છે. થોડા દિવસો પહેલા જ તેમણે ટ્વિટ કર્યું હતું કે કેટલાક લોકો તેમની એકેડમી (કેરળના બાલુસરીમાં ઉષા સ્કૂલ ઓફ એથ્લેટિક્સ)ની જમીન પર કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ત્યાં ગુંડાગીરી કરી રહ્યા છે. શું તે સમયે દેશની છાપ બગડતી ન હતી? તે પણ એક આંતરરાષ્ટ્રીય એથ્લીટ સાથે જોડાયેલ કેસ હતો. એકેડમીની ઘટના વિશે સાંભળીને અમને પણ દુ:ખ થયું. તે આટલા મોટા એથ્લિટ છે અને રાજ્યસભાના સાંસદ છે છતા તેમની સાથે આવું થઇ રહ્યું છે. જો કોઈ સાંસદ સાથે આવું થઈ શકે તો અમે સામાન્ય ખેલાડીઓ છીએ. અમારી પાસે કોઈ પાવર નથી? અમારી સાથે કશું પણ થઈ શકે છે, તેમણે આ વિશે વિચારવું જોઈએ.
પેનલનો રિપોર્ટ હજુ સુધી જાહેર કર્યો નથી
આઇઓએએ હજુ સુધી આ આરોપોની તપાસ પૂરી કરી નથી, જ્યારે સરકારે રચેલી ઇન્સ્પેક્શન પેનલનો રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. ત્રણ મહિનાની લાંબી રાહ જોયા પછી હતાશ થઈને કુસ્તીબાજો 23 એપ્રિલે જંતર-મંતર પર પરત ફર્યા હતા અને પોતાનું આંદોલન ફરી શરૂ કર્યું હતું. તેઓ ડબ્લ્યુએફઆઈના પ્રમુખની ધરપકડની માંગને લઇને સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતા. તે સ્પષ્ટ છે કે આઇઓએને રેસલર્સની આ પગલું પસંદ આવ્યું નથી.
આ પણ વાંચો – આખરે ભાજપ કેમ નથી કરી રહ્યું બ્રિજભૂષણ સિંહ સામે કાર્યવાહી?
થોડી શિસ્ત તો હોવી જ જોઈએ – પીટી ઉષા
જ્યારે પીટી ઉષાને પૂછવામાં આવ્યું કે શું આઇઓએ કુસ્તીબાજોનો સંપર્ક કરશે કારણ કે તેઓ મક્કમ છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ વિરોધ સ્થળ છોડશે નહીં. પીટી ઉષાએ કહ્યું કે થોડી શિસ્ત હોવી જોઈએ. અમારી પાસે આવવાને બદલે તેઓ સીધા રસ્તા પર ઉતરી ગયા. આ રમત માટે સારું નથી.
આંદોલન દેશની છબી માટે સારું નથી
આઇઓએના સંયુક્ત સચિવ કલ્યાણ ચૌબેએ કહ્યું કે આઇઓએ પ્રમુખ પીટી ઉષા કહેવા માંગે છે કે આ પ્રકારનું આંદોલન દેશની છબી માટે સારું નથી. વિશ્વ મંચ પર ભારતની સારી પ્રતિષ્ઠા છે. આ નકારાત્મક પ્રચાર દેશ માટે સારો નથી. અમે માત્ર કુસ્તીબાજો સાથે જ નહીં પરંતુ તે તમામ ખેલાડીઓ સાથે રહેવા માંગીએ છીએ જે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ અમે દેશના નિયમો અને કાયદા હેઠળ આવું કરવા માંગીએ છીએ.
આરોપો ગંભીર છે અને અમે ઉતાવળમાં કોઈ નિર્ણય લઈ શકીએ નહીં
કલ્યાણ ચૌબેએ કહ્યું કે આક્ષેપો ગંભીર છે અને અમે ઉતાવળમાં કોઈ નિર્ણય લઈ શકીએ નહીં. જો આપણે થોડો સંયમ રાખી શકીએ અને સમિતિની તપાસની રાહ જોઈ શકીએ. ત્યારે અમે પ્રતિક્રિયા આપી શકીશું. અત્યાર સુધી અમે કુસ્તીના ફેડરેશનની રોજબરોજની કામગીરી અંગે જ ચર્ચા કરી હતી. આઇઓએના સંયુક્ત સચિવે પણ પુષ્ટિ કરી છે કે સંખ્યાબંધ સાક્ષીઓ તપાસ સમિતિ સમક્ષ હાજર થવાના બાકી છે. તપાસ હજુ પણ ચાલુ છે. અમને કહેવામાં આવ્યું છે કે સમિતિ પાસે સાક્ષીઓની યાદી છે. સમિતિ તેમને આમંત્રણ આપશે અને તેઓ આયોગ સમક્ષ હાજર થશે.
ફેડરેશનની બાબતો ચલાવવા માટે સમિતિની રચના કરવામાં આવી
આઇઓએએ એક એડ-હોક કમિટિની રચના કરી છે, જેમાં ભૂતપૂર્વ શૂટર સુમા શિરુર, વુશુ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ ભુપિન્દર સિંઘ બાજવા અને હાઈકોર્ટના નિવૃત્ત જજનો સમાવેશ થાય છે, જેમનું નામ હજુ નક્કી થયું નથી. જ્યાં સુધી ચૂંટણી યોજાય નહીં ત્યાં સુધી કુસ્તી ફેડરેશનના કામકાજને ચલાવવા માટે ભૂપેન્દ્ર સિંહ બાજવા એડ-હોક પેનલમાં આઇઓએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલનું પ્રતિનિધિત્વ કરશે. જ્યારે સુમા શિરુર એક મહિલા એથ્લેટ છે. તેઓ કુસ્તી ફેડરેશનની રોજબરોજની બાબતોનું ધ્યાન રાખશે. અમે ન્યાયાધીશોના નામોની પણ ચર્ચા કરી હતી અને હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ સમિતિનો ભાગ બનશે.