scorecardresearch

આઈપીએલ-2023 : ભારતના આ 11 પ્લેયર્સ પર રહેશે બધાની ખાસ નજર, જાણો કેમ

IPL 2023 : આઈપીએલ 2023ની શરૂઆત 31 માર્ચથી ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચેની મેચથી થશે

IPL 2023
31 માર્ચથી આઈપીએલ-2023ની શરૂઆત થશે

આઈપીએલ-2023 શરૂ થવાને હવે ગણતરીના દિવસોની વાર છે. આ વખતની આઈપીએલ ઘણા પ્લેયર્સ માટે મહત્વની બની રહેવાની છે. આ વખતે ભારતમાં વન-ડે વર્લ્ડ કપ યોજાવાનો છે. જેથી ભારતીય ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા સાબિત કરીને વર્લ્ડ કપની ટીમમાં દાવેદારી નોંધાવવાની તક છે. આ આઈપીએલમાં આ ભારતીય પ્લેયર્સ પર ખાસ નજર રહેશે.

રોહિત શર્મા

વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ રોહિત શર્મા પાસે રહેવાની છે. જેથી તેના પર ખાસ નજર રહેશે. તે જ્યારે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે કેપ્ટનશિપ કરે છે ત્યારે જબરજસ્ત લયમાં જોવા મળે છે. જોકે ટીમ ઇન્ડિયા તરફથી કેપ્ટન તરીકે ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. છેલ્લા ઘણા સમયથી તે લયમાં નથી. જેથી આઈપીએલમાં લય મેળવવા પ્રયત્ન કરશે.

મહેન્દ્રસિંહ ધોની

મહેન્દ્રસિંહ ધોની ટીમ ઇન્ડિયાનો સભ્ય નથી પણ તે જ્યારે મેદાનમાં ઉતરે ત્યારે બધાની નજરમાં તે આપોઆપ આવી જાય છે. એક વર્ષ પછી ધોનીની બેટિંગ અને કેપ્ટનશિપ જોવા માટે પ્રશંસકો આતુર છે. છેલ્લે તે ગત આઈપીએલમાં રમ્યો હતો. આ કદાચ ધોનીની બેટ્સમેન તરીકે છેલ્લી આઈપીએલ હોઇ શકે છે. જેથી તેને બેટિંગ કરતો જોવા પ્રશંસકો આતુર જણાવી રહ્યા છે.

વિરાટ કોહલી

વિરાટ કોહલી માટે 2023નું ઘણું શાનદાર રહ્યું છે. આ વર્ષે તે વન-ડેમાં બે સદી ફટકારી ચૂક્યો છે. તે પોતાના જૂના ફોર્મમાં પરત ફર્યો છે. વન-ડે વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનું ફોર્મમાં રહેવું ભારતીય ટીમ માટે ખાસ જરૂરિયાત છે. આઈપીએલમાં રમવા ઉતરશે ત્યારે પોતાની લય જાળવવાનો પ્રયત્ન કરશે.

સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવને ટી-20નો બેતાજ બાદશાહ કહેવાય છે. તેની બીજા એબી ડી વિલિયર્સ તરીકે ગણતરી થઇ રહી છે. જોકે ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી ત્રણ વન-ડેમાં પ્રથમ બોલે જ શૂન્ય રને આઉટ થતા તેની બેટિંગ પર સવાલ ઉઠી રહ્યા છે. સતત ત્રણ મેચમાં ગોલ્ડન ડક આઉટ થયો હતો. વન-ડે વર્લ્ડ કપ પહેલા આઈપીએલમાં બેસ્ટ પ્રદર્શન કરીને ફરી ટીકાકારોને જવાબ આપવાનો પ્રયત્ન કરશે.

શિખર ધવન

શિખર ધવન છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયાની બહાર છે. તેના માટે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવું હવે મુશ્કેલ લાગી રહ્યું છે. આ આઈપીએલ તેના માટે અંતિમ તક છે. આઈપીએલની આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને તે પસંદગીકારોનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરશે. આ વખતે તે પંજાબ કિંગ્સનો કેપ્ટન છે જેથી તેના પર મોટી જવાબદારી છે. શિખર ધવન માટે પ્લસ પોઇન્ટ એ છે કે તે આઈસીસી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરે છે. આ આઇપીએલ તેના ભવિષ્યનો નિર્ણય કરશે.

આ પણ વાંચો – આઈપીએલ 2023 : આ 12 ભારતીય ખેલાડીઓ નેટ્સ પર વધારે પ્રેક્ટિસ નહીં કરે

સંજૂ સેમસન

સંજૂ સેમસન તેના ક્લાસ બેટિંગ માટે જાણીતો છે. તેણે સતત શાનદાર પ્રદર્શન કર્યું હોવા છતા તેને ટીમ ઇન્ડિયામાં વધારે તક મળી રહી નથી. આઈપીએલની આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને વન-ડે વર્લ્ડ કપમાં પોતાની દાવેદારી મજબૂત કરવા પ્રયત્ન કરશે. તેથી આ વખતે આ આઈપીએલ તેના માટે ખાસ મહત્વની છે. તે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન પણ છે.

ઇશાન કિશન

ઇશાન કિશને ડિસેમ્બરમાં વન-ડેમાં બેવડી સદી ફટકારી ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાની દાવેદારી મજબૂત બનાવી હતી. જોકે છેલ્લા ઘણા સમયથી તે વન-ડે અને ટી 20માં ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. છેલ્લી 5 ટી-20માં તે 27 રન જ બનાવી શક્યો છે. વન-ડે વર્લ્ડ કપમાં સામેલ થવું હશે તો આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે. આઈપીએલ તેના માટે ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી કરવાનો રસ્તો બતાવશે.

કેએલ રાહુલ

કેએલ રાહુલ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મના કારણે ટિકાકારોના નિશાને છે. રાહુલ પાસે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી ફરી લયમાં પાછા ફરવાની તક છે. જો આઈપીએલમાં પણ ખરાબ પ્રદર્શન રહેશે તો વન-ડે વર્લ્ડ કપમાં તેનું સ્થાન જોખમમાં પડી શકે છે. રાહુલ લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન છે જેથી તેના પર બેવડી જવાબદારી છે.

શુભમન ગિલ

શુભમન ગિલ હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેનું વન-ડે વર્લ્ડ કપમાં સ્થાન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આઈપીએલની આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની દાવેદારીને વધારે મજબૂત બનાવી શકે છે. ગિલ છેલ્લા ઘણા સમયથી સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી રહ્યો છે.

યુજવેન્દ્ર ચહલ

યુજવેન્દ્ર ચહલ ટીમ ઇન્ડિયામાં કાયમી સભ્ય રહ્યો નથી. ક્યારેક ટીમમાં સ્થાન મેળવે છે તો ક્યારેક ટીમમાંથી બહાર કરી દેવામાં આવે છે. વન-ડે વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવું હશે તો આઈપીએલની આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે. ચહલ રાજસ્થાન રોયલ્સનો ભાગ છે.

ભુવનેશ્વર કુમાર

ભુવનેશ્વર કુમાર એક સ્વિંગ બોલર તરીકે ઘણો ઉપયોગી છે. જોકે છેલ્લા ઘણા સમયથી ભુવનેશ્વર કુમાર ટીમ ઇન્ડિયાની અંદર અંદર-બહાર થયા કરે છે. આ આઈપીએલની સિઝનમાં પ્રભાવશાળી પ્રદર્શન કરશે તો વન-ડેમાં વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો સભ્ય બની શકે છે. જેથી આ સિઝન તેના માટે ઘણી ખાસ રહેશે.

Web Title: Ipl 2023 all eyes will be these 11 players from team india

Best of Express