દેવેન્દ્ર પાંડે : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની શરૂઆત 31 માર્ચથી થવાની છે. આ પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની ફિટનેસ અને વર્કલોડ મેનજમેન્ટને લઇને ઘણી ચર્ચા થઇ હતી. તેનું કારણ છેલ્લા કેટલાક સમયમાં ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવાની સાથે-સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અને વન-ડે વર્લ્ડ કપ છે, જે આ વર્ષના અંતમાં ભારતમાં રમાવાનો છે. આ દરમિયાન બીસીસીઆઈએ સત્ર પહેલા ફ્રેન્ચાઇઝીઓને ટીમ ઇન્ડિયાના કરારબંધ ખેલાડીઓ પર વધારે ભાર ન નાખવા કહ્યું છે. જેથી તે થાકી ના જાય અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે તૈયાર રહે.
બેંગલોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિઝિયોથેરેપિસ્ટ નીતિન પટેલ અને ટીમ ઇન્ડિયાના સ્ટ્રેંથ એન્ડ કંડીશનિંગ કોચ સોહમ દેસાઇએ આઇપીએલની દરેક ફ્રેન્ચાઇઝીના પ્રશિક્ષકો અને ફિઝિયોથેરેપિસ્ટને ઝુમ મિટિંગ દરમિયાન આ સંદેશો આપ્યો હતો. બીસીસીઆઈ વર્લ્ડ કપ 2023 માટે શોર્ટલિસ્ટ કરેલા 20 ખેલાડીઓમાં બોલરોને લઇને ઘણું ચિંતિત છે અને ઇચ્છે છે કે કોઇ ખેલાડી ઇજાગ્રસ્ત ના થાય. બોર્ડ 12 બોલરો પર નજર રાખી રહ્યું છે અને આ બધા બોલરો નેટ્સ પર વધારે પ્રેક્ટિસ કરશે નહીં.
આ પણ વાંચો – આઈપીએલ 2023: કેપ્ટનશિપ, પ્રદર્શન અને ધોનીનું નિવેદન, સીએસકેથી કેમ નારાજ થયો હતો રવિન્દ્ર જાડેજા?
આ ખેલાડીઓ નેટ્સ પર વધારે મહેનત કરશે નહીં
મોહમ્મદ સિરાજ (રોયલ ચેલેન્જર્સ બેંગલોર), મોહમ્મદ શમી (ગુજરાત ટાઇટન્સ), શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ (કોલકાતા નાઇટ રાઇડર્સ), દીપક ચાહર (ચેન્નાઇ સુપર કિંગ્સ), કુલદીપ યાદવ અને અક્ષર પટેલ (દિલ્હી કેપિટલ્સ), રવિચંદ્રન અશ્વિન અને યુજવેન્દ્ર ચહલ (રાજસ્થાન રોયલ્સ), ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક અને વોશિંગ્ટન સુંદર (સનરાઇઝર્સ હૈદરાબાદ) પર નજર રાખવામાં આવી રહી છે. એનસીએ પહેલા જ ભારતના દરેક ખેલાડીનો વર્કલોડ મોનિટરિંગ રિપોર્ટ સંબંધિત ફ્રેન્ચાઇઝી સાથે શેર કરી ચુક્યું છે.
શું છે ફ્રેન્ચાઇઝીઓને નિર્દેશ
બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે ફ્રેન્ચાઇઝીઓને કહેવામાં આવ્યું છે કે ભારતીય ટીમના બોલરોનો સાવધાનીથી ઉપયોગ કરે. આઈપીએલ ટીમોએ તેમને નેટ્સ પર વધારે મહેનત કરાવવાની નથી. તે સ્ટ્રેંથનિંગ અને ટ્રેનિંગ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે. ખેલાડી ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરી શકે છે પણ મે ના પ્રથમ સપ્તાહ સુધી. ફ્રેન્ચાઇઝી તેમના પર દબાણ બનાવશે નહીં. મે ના પ્રથમ સપ્તાહ પછી જે ખેલાડી રેસમાં છે તે ધીરે-ધીરે નેટ્સમાં બોલિંગનો સમય વધારી શકે છે. બીસીસીઆઈ બધી ફ્રેન્ચાઇઝીઓના સંપર્કમાં રહેશે.