scorecardresearch

આઈપીએલ- 2023માં ડેબ્યૂ કરશે અર્જૂન તેંડુલકર? સચિનના પુત્રને લઇને રોહિત શર્મા અને માર્ક બાઉચરે કરી આવી વાત

IPL 2023 : અર્જુન તેંડુલકર છેલ્લી બે સિઝનથી મુંબઈ ઇન્ડિયન્સનો સભ્ય છે પણ તે બન્ને સિઝનમાં બેન્ચ પર બેસી રહ્યો હતો તક મળી ન હતી

ipl Arjun Tendulkar
સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર આઈપીએલની આ સિઝનમાં ડેબ્ચૂ કરી શકે છે (તસવીર – ટ્વિટર)

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 પહેલા મુંબઈ ઇન્ડિયન્સ કેમ્પમાંથી મોટી જાણકારી સામે આવી છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર આઈપીએલની આ સિઝનમાં ડેબ્ચૂ કરી શકે છે. સિઝન શરૂ થયા પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટીમના કેપ્ટન રોહિત શર્મા અને માર્ક બાઉચરે અર્જુનને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મેનેજમેન્ટની નજર અર્જુન ઉપર છે અને તેને આ વર્ષે પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે.

અર્જુન તેંડુલકર છેલ્લી બે સિઝનથી મુંબઈ ઇન્ડિયન્સનો સભ્ય

અર્જુન છેલ્લી બે સિઝનથી મુંબઈ ઇન્ડિયન્સનો સભ્ય છે પણ તે બન્ને સિઝનમાં બેન્ચ પર બેસી રહ્યો હતો તક મળી ન હતી. તેણે ગત સિઝનમાં રણજી સિઝનમાં ડેબ્યૂ મેચમાં ગોવા તરફથી રમતા સદી ફટકારી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એ વાત પણ સામે આવી કે હાલ તે બોલિંગ કરી રહ્યો નથી. તે ઇજાગ્રસ્ત છે અને બુધવારથી બોલિંગ શરુ કરશે.

આ પણ વાંચો – આઈપીએલ-2023 : ભારતના આ 11 પ્લેયર્સ પર રહેશે બધાની ખાસ નજર, જાણો કેમ

મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે અર્જુન તેંડુલકરે હાલના દિવસોમાં સારી ક્રિકેટ રમી છે. તે ઇજાગ્રસ્ત હતો પણ હવે તે બોલિંગ શરુ કરશે. માર્ક બાઉચરે કહ્યું કે અર્જુન છેલ્લા કેટલાક સમયથી સારી ક્રિકેટ રમી રહ્યો છે. તે સારી બોલિંગ કરી રહ્યો છે. અમને લાગે છે કે આ વર્ષે પ્લેઇંગ ઇલેવનમાં રમશે.

અર્જુન તેંડુલકરના નામે 32 વિકેટ

અર્જુન તેંડુલકર અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં 7 પ્રથમ શ્રેણી, 7 લિસ્ટ એ અને 9 ટી-20 મેચ રમ્યો છે. જેમાં 32 વિકેટ ઝડપી છે અને 268 રન બનાવ્યા છે. મુંબઈ ઇન્ડિયન્સના બોલિંગ કોચ શેન બોન્ડે ગત વર્ષે કહ્યું હતું કે પાંચ વખતના આઈપીએલ ચેમ્પિયનની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન બનાવવા માટે અર્જુને હજુ ઘણું કામ કરવાનું છે. રોહિત શર્માની ટીમ માટે ગત સિઝન સારી રહી ન હતી. તે અંતિમ સ્થાને રહી હતી. મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલ 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 2 એપ્રિલે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

Web Title: Ipl 2023 arjun tendulkar will make his debut for mumbai indians

Best of Express