દેવેન્દ્ર પાંડે : ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ની ટીમ દિલ્હી કેપિટલ્સે પોતાના ક્રિકેટર્સ માટે આચાર સંહિતા બનાવી છે. ફ્રેન્ચાઇઝીએ આ પગલું એક પાર્ટીમાં એક ખેલાડીએ મહિલા સાથે દુર્વ્યવહારની ઘટનાના થોડા દિવસ પછી ઉઠાવ્યું છે. આચાર સંહિતા પ્રમાણે ફ્રેન્ચાઇઝી પોતાની છબી સ્વચ્છ રાખવા માટે ખેલાડીઓ હવે રાતના 10 વાગ્યા પછી પોતાના પરિચિતોને પોતાના રૂમમાં લાવી શકશે નહીં.
આચાર સંહિતાના ઉલ્લંઘનને કારણે કરાર સમાપ્ત પણ થશે
આચાર સંહિતા પ્રમાણે જો ખેલાડી મહેમાનોની સંભાળ રાખવા માંગે છે તો તે ટીમ હોટલની રેસ્ટોરન્ટ અથવા કોફી શોપમાં રાખી શકે છે. જો કોઇ ખેલાડી કોઇને મળવા માટે હોટલ છોડવાની ઇચ્છા રાખે છે તો ખેલાડીઓએ ફ્રેન્ચાઇઝીના અધિકારીઓને પણ જાણ કરવી પડશે. સોમવારે હૈદરાબાદ સનરાઇઝર્સ સામેની જીત બાદ ખેલાડીઓ સાથે શેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં ચેતવણી પણ આપવામાં આવી છે. તેમાં કહ્યું છે કે આચાર સંહિતાના ઉલ્લંઘનને કારણે દંડ થઈ શકે છે અથવા કરાર સમાપ્ત પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ફ્રેન્ચાઇઝી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના WAGs (વાઇફ અને ગર્લફ્રેન્ડ્સ)ને આઇપીએલ દરમિયાન ટીમ સાથે મુસાફરી કરવાની મંજૂરી આપે છે.
કોઇને રૂમમાં બોલાવવા હશે તો ઓળખપત્ર આપવું પડશે
જો કોઈ ખેલાડી કોઈને પણ તેમના રુમમાં લઈ જવા માંગતો હોય તો તેણે પહેલા જ આઇપીએલની ટીમના ઈન્ટિગ્રિટી ઓફિસરને જાણ કરવી પડશે. આ સિવાય અગાઉથી જ ટીમ મેનેજમેન્ટને ફોટો આઈડેન્ટિફિકેશન આપવું પડશે. કોઈ ખાસ ઘટનાનો ઉલ્લેખ ન કરતા આચારસંહિતામાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી કેપિટલ્સની ટીમના દરેક સભ્ય, ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને મેનેજમેન્ટ માટે ટીમના વિઝન અને ઉદ્દેશ્યને સૌથી વધુ પ્રાધાન્ય આપવું જોઈએ.
આ પણ વાંચો – આઈપીએલ 2023 પોઇન્ટ ટેબલ : ચેન્નઇ સુપર કિંગ્સ ટોપ પર, દિલ્હી કેપિટલ્સ સૌથી નીચે, જાણો અન્ય ટીમોની સ્થિતિ
દિલ્હી કેપિટલ્સે તેના તમામ ખેલાડીઓ માટે ફ્રેન્ચાઈઝીના સમારંભમાં હાજરી આપવી ફરજિયાત કરી દીધી છે. જો કોઇ કારણોસર મોડું થાય તો ટીમના સ્ટાફને જાણ કરવી પડશે. ફ્રેન્ચાઇઝીએ અગાઉ તેના ખેલાડીઓને મૌખિક રીતે કહ્યું હતું કે તેઓએ નિયમિત રહેવાની જરૂર છે કારણ કે ફ્રેન્ચાઇઝી તેમના નિર્ધારિત સ્થળે લેટ પહોંચવાનું જોખમ ઉઠાવી શકે તેમ નથી.
દિલ્હી કેપિટલ્સ માટે સિઝન ખાસ રહી નથી
દિલ્હી કેપિટલ્સની ટીમ માટે આ સિઝન અત્યાર સુધી ખાસ રહી નથી. તેણે પ્રથમ સાત મેચોમાંથી માત્ર બે મેચમાં જ જીત મેળવી છે. પોઇન્ટ ટેબલમાં સૌથી નીચલા સ્થાને છે. દિલ્હીએ સતત પાંચ હાર સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી.