GT vs LSG : ગુજરાત ટાઇટન્સના વિકેટકીપર રિદ્ધિમાન સાહા માટે આ આઇપીએલ ખૂબ જ ખાસ રહી છે. સાહાએ ઘણી ઝંઝાવાતી ઇનિંગ્સ રમી છે. રવિવારે સાહાએ લખનઉ સુપર જાયન્ટ્સ સામે 81 રન બનાવ્યા હતા. જોકે ફિલ્ડિંગની વાત કરવામાં આવે તો સાહાએ એક ભૂલ કરી હતી જેના કારણે તે મજાકનું પાત્ર બની ગયો હતો.
સાહાની આક્રમક ઇનિંગ્સ
ગુજરાતની ટીમે શુભમન ગિલના 94 અને સાહાના 81 રનની મદદથી 227 રન બનાવ્યા હતા. જ્યારે લખનઉની બેટિંગની આવી ત્યારે સાહા વિકેટકીપિંગ કરવા માટે આવ્યો હતો. તે સમયે બધાનું ધ્યાન એ તરફ ગયું કે સાહા ઊંધું ટ્રાઉઝર પહેરીને આવ્યો છે. પ્રશંસકોએ સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક ઉડાવી હતી અને મીમ્સ પણ શેર કર્યા હતા.
સાહા વિકેટકીપિંગ માટે તૈયાર ન હતો
રિદ્ધિમાન સાહાએ મેચ બાદ પોતાના સાથી ખેલાડી કે.એસ.ભરત સાથેની વાતચીતમાં આ માટેનું કારણ જણાવ્યું હતું. જ્યારે બ્રેક બાદ ઇનિંગ્સ શરૂ થઇ ત્યારે સાહા નહીં પરંતુ કેએસ ભરત જ વિકેટકીપિંગ કરવા માટે ઉતર્યા હતો. જોકે અમ્પાયરોએ તેને મંજૂરી આપી ન હતી અને તેને પાછો મોકલી દીધો. સાહા તે સમયે ખાવાનું ખાતો હતો અને તે પોતાનું નીડિલિંગ (એક પ્રકારનું એક્યૂપંચર) કરાવી રહ્યો હતો.
આ પણ વાંચો – કેએલ રાહુલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાંથી બહાર, કરાવવી પડશે સર્જરી
ભરતને જોઈને સાહાને નવાઈ લાગી. તેણે ખાવાનું છોડી દીધું અને ઉતાવળમાં તૈયાર થવા ગયો હતો. આ કારણોસર તેને ધ્યાન ના રહ્યું કે તેણે ટ્રાઉઝર ઊંધું પહેરી લીધું છે. તેને આ વાતની જાણ મેદાનમાં ગયા બાદ થઈ હતી. બે ઓવરની વિકેટકીપિંગ પછી તે પાછો ફર્યો હતો અને સીધું ટ્રાઉઝર પહેરીને આવ્યો હતો.
ગુજરાત ટાઇટન્સનો 56 રને વિજય
ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની આ મેચ 56 રનથી જીતી લીધી હતી. આ જીત સાથે હવે તેના 16 પોઇન્ટ થઇ ગયા છે. તે 11 મેચમાં 8 જીત અને ત્રણ હાર સાથે ટોચના સ્થાને છે. ટીમ પાસે હજુ ત્રણ મેચ રમવાની બાકી છે. તે પ્લેઓફમાં સ્થાન મેળવશે તે લગભગ નક્કી છે.