Nihal Koshie : આઈપીએલમાં એક જ ઇનિંગ્સ રાતો રાતો યુવા ક્રિકેટરનું ભાગ્ય બદલી નાખે છે. આવું જ કોલકાતા નાઇટ રાઇડર્સના યુવા પ્લેયર રિંકુ સિંહ સાથે થયું છે. રિંકુ સિંહે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે અને આઈપીએલમાં સ્થાન બનાવ્યું છે. આ પછી ગુજરાત ટાઇટન્સ સામે 5 બોલમાં 5 સિક્સર ફટકારીને રાતો રાત છવાઇ ગયો છે.
રિંકુ સિંહના ઘરે આજે પણ એક જૂનું ડબ્બાવાળું ટીવી છે. ગેસ સિલિન્ડરના સ્ટોક સાથે બે રૂમની ઝુંપડી અને એક બાઇક છે. જે રિંકુ સિંહ લગભગ એક દાયકા પહેલાં સ્કૂલ ગેમમાં જીત્યો હતો. રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહની આર્થિક સ્થિતિ સારી ન હતી. તે ગેસ સિલિન્ડરની ડિલિવરી તરીકેનું કામ કરે છે. રિંકુ પાંચ ભાઇ-બહેનોમાં ત્રીજા નંબરે છે.
ખાનચંદ પોતાના ઘરે હજુ જૂના ટીવી પર જ રિંકુને રમતા જોવે છે. તે રામબાગ કોલોનીમાં રિંકુ સિંહના ત્રણ માળના મકાનમાં જવાનો ઇનકાર કરે છે. બાઇકનું ભાવનાત્મક મૂલ્ય છે કારણ કે તેણે તેમનું જીવન સરળ બનાવ્યું હતું. બાઇક પર તે ડિલિવરી માટે ગેસ સિલિન્ડર લઈ જતા હતા.
રિંકુ સિંહ ટોક ઓફ ધ ટાઉન બન્યો
રવિવારના રોજ રિંકુ ટોક ઓફ ધ ટાઉન બન્યો જ્યારે તેણે ગુજરાત ટાઇટન્સના બોલર યશ દયાલની ઓવરમાં પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારી હતી. જ્યારે કેકેઆરને છેલ્લા પાંચ બોલમાં 28 રનની જરૂર હતી. 21 બોલમાં અણનમ 48 રન બનાવી ટીમને જીત અપાવી હતી. ગયા વર્ષે રિંકુ સિંહે 15 બોલમાં 40 રન બનાવ્યા હતા પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
KKRના માલિક અને ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાને ફિલ્મ પઠાણના પોસ્ટર પર રિંકુની ફોટો-શોપ કરેલી તસવીર ટ્વિટ કરી અને 25 વર્ષીય ખેલાડીને મેચ જીતાડવા બદલ અભિનંદન પણ આપ્યા હતા.
આ પણ વાંચો – રિંકુ સિંહની આક્રમક બેટિંગ, અંતિમ 5 બોલમાં 5 સિક્સર ફટકારી કેકેઆરને યાદગાર જીત અપાવી
રિંકુ સિંહ રાતો રાત સ્ટાર બની ગયો છે પણ તેના માતા-પિતાનું અલીગઢમાં જીવન બદલાયું નથી. આજે પણ તેના પિતા નવું ટીવી ખરીદવાની ના પાડે છે. તે નાના ડબ્બા ટીવી પર આઈપીએલમાં રમતો જોઈને ખુશ છે. રિંકુના ખાસ મિત્ર વસીમ મિર્ઝાએ કહ્યું કે તાજેતરમાં રિંકુએ ફરીથી તેના માતાપિતાને નવા ઘરમાં શિફ્ટ થવાનું કહ્યું હતું. પણ તેના પિતા કહે છે કે તે આખી જિંદગી ત્યાં જ રહ્યો છે હવે સરનામું કેમ બદલું.
તે આઈપીએલમાં રમી રહ્યો છે પરંતુ સામાન્ય રહે છે
જ્યારે રિંકુ અલીગઢમાં ઘરે પરત ફરે છે ત્યારે તેનો મિત્ર મિર્ઝા અને રિંકુ સાથે જ હોય છે. મિર્ઝાએ કહ્યું કે રિંકુ કાર ખરીદી શકે તેમ હોવા છતાં તેની પાસે ફોર વ્હીલરનું લાઇસન્સ નથી. તેની ટુ-વ્હીલર સ્કૂટી હજુ પણ તેમના પરિવહનનું માધ્યમ છે. મિર્ઝાએ કહ્યું હતું કે રિંકુ હજુ પણ એ જ સિમ્પલ છે જે તે હંમેશા હતો. તે આઈપીએલમાં રમી રહ્યો છે પરંતુ ડાઉન ટુ અર્થ રહે છે. તેને ટુ-વ્હીલર પર મુસાફરી કરવામાં કોઈ ડર નથી. અલીગઢના ટ્રાફિકને કારણે તે હજુ પણ તેને પસંદ કરે છે.
જોકે રવિવારની મેચ પછી નવી-મળેલી પ્રસિદ્ધિ અલીગઢના એકમાત્ર ક્રિકેટર રિંકુ માટે ભીડ તેના મનપસંદ મુગલાઈ ખાવા જવાનું મુશ્કેલ બનાવી શકે છે. તેના મિત્રએ કહ્યું હતું કે મને ખબર નથી કે તે ભવિષ્યમાં કેવો હશે. અત્યાર સુધી રિંકુ ટીવી પર જોવા મળતો હતો તેમ છતાં તે મુક્તપણે હરી ફરી શકતો હતો. આશા છે કે તે તેની સ્વતંત્રતા ગુમાવશે નહીં.
જ્યારે રિંકુ ઘરે પાછો ફરે છે ત્યારે દિવસમાં ઓછામાં ઓછું એકવાર ગેસ સિલિન્ડર સ્ટોકયાર્ડમાં મુકવા અને તેના પિતા ખાનચંદ અને માતા વીણા સાથે સમય વિતાવે છે. પહેલા જ્યારે રિંકુ ક્રિકેટ રમ્યા પછી ઘરે આવે ત્યારે તેના પિતા તેને મારવા માટે રાહ જોતા હતા. ખાનચંદ ઇચ્છતા હતા કે તેમનો પુત્ર જીવનમાં આગળ વધે અને તે સમયે ક્રિકેટની કારકિર્દીની યોગ્ય પસંદગી માનવામાં આવતી ન હતી.
ખાનચંદે ગયા વર્ષે ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે હું ઈચ્છતો ન હતો કે તેઓ (બાળકો) મારા જેવા થાય. હું ઇચ્છતો હતો કે તેઓ અભ્યાસ કરે અને યોગ્ય નોકરી મેળવે. તેથી જ હું ક્રિકેટ રમવાની તેની વિરુદ્ધ હતો. પરિવારની આર્થિક સ્થિતિ ખરા હતી અને સંઘર્ષ કરવો પડી રહ્યો હતો. ત્યારે રિંકુ તેના ભાઈ સાથે નોકરી શોધવા માટે કોચિંગ સેન્ટરમાં ગયો હતો.
રિંકુને કોચિંગ સેન્ટરમાં મને ઝાડુ મારવા અને સાફ-સફાઇ કરવા કહ્યું
રિંકુએ કહ્યું હતું કે મને લાગે છે કે આ 2010માં હતું. મેં હમણાં જ રમવાનું શરૂ કર્યું હતું પરંતુ મમ્મીએ મને નોકરી શોધવાનું કહ્યું કારણ કે અમારે પૈસાની જરૂર હતી. કોચિંગ સેન્ટરમાં મને ઝાડુ મારવા અને સાફ-સફાઇ કરવા કહ્યું હતું. જોકે તેણે સફાઈ કામદારની નોકરી ન લેવાનો નિર્ણય કર્યો હતો. મેં ઘરે આવીને મમ્મીને કહ્યું કે હું ક્રિકેટ રમીને પરિવારને મદદ કરીશ
રિંકુના મિત્ર મિર્ઝાએ કહ્યું કે તે ગમે તેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય અને ગમે તેટલા મુશ્કેલ સંજોગો હોય રિંકુ હંમેશા હકારાત્મક રહે છે. જીતો કે હાર રિંકુનું વલણ હંમેશા સરખું જ હોય છે, હંમેશા હસતો રહે છે.
રિંકુ સિંહની ક્રિકેટ કારકિર્દી
રિંકુ સિંહ અત્યાર સુધી 40 ફર્સ્ટ ક્લાસ, 50 લિસ્ટ-એ અને 78 ટી-20 મેચ રમ્યો છે. આઈપીએલની વાત કરવામાં આવે તો રિંકુને સૌપ્રથમ 2017માં પંજાબ કિંગ્સે 10 લાખમાં ખરીદ્યો હતો. 2018માં તેને કોલકાતા નાઇટ રાઇડર્સે 80 લાખમાં ખરીદ્યો હતો ત્યારતી તે કેકેઆરમાં છે. આઈપીએલ 2022ની મેગા હરાજીમાં તેને કેકેઆરે 55 લાખમાં ખરીદ્યો હતો.