મુંબઈ ઇન્ડિયન્સની ટીમ જામનગર આવી પહોંચી છે. અમદાવાદથી સ્પેશ્યલ ફ્લાઈટમાં જામનગર આવ્યા પછી રિલાયન્સ ગ્રીન ટાઉનશિપ તરફ ટીમ રવાના થઈ હતી. મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીના માલિક નીતા અંબાણીના નિમંત્રણને માન આપીને મુંબઈની ટીમ જામનગર આવી છે.
જામનગરના એરપોર્ટ પર મુંબઈ ઇન્ડિયન્સના ક્રિકેટરો પ્લેનમાંથી ઉતર્યા પછી તેઓ ખાનગી વાહન મારફતે મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ગ્રીન ટાઉનશિપ તરફ રવાના થયા હતા. જામનગર એરપોર્ટ ખાતે બપોર બાદ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, કિરોન પોલાર્ડ, ઈશાન કિશન, કેમરૂન ગ્રીન સહિત સ્ટાર ક્રિકેટરોનું આગમન થયું હતું.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ગઇકાલે મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે મેચ રમી હતી. આ પછી પછી બીજા દિવસે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જામનગર પહોંચી હતી. હવે મુંબઈની ટીમ 30 એપ્રિલે મેચ રમવાનું છે. જેથી ચાર દિવસનો વચ્ચે ગેપ છે. આથી તે જામનગર આવ્યા હતા.
આ પણ વાંચો – આઈપીએલ 2023 પોઇન્ટ ટેબલ : ચેન્નઇ સુપર કિંગ્સ ટોપ પર, દિલ્હી કેપિટલ્સ સૌથી નીચે, જાણો અન્ય ટીમોની સ્થિતિ
મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ કંપનીની સાઇટમાં નિરીક્ષણ કરશે.આ ઉપરાંત રિલાયન્સ ગ્રીનમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં કેટલાક જુનિયર ખેલાડીઓ સાથે ફ્રેન્ડલી મેચ પણ રમે તેવું જાણવા મળી રહ્યું છે. જોકે રિલાયન્સ તરફથી આ મામલે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.
4 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે રહ્યું નથી. મુંબઈનો 7 મેચમાંથી 3 માં વિજય થયો છે અને 4 માં પરાજય થયો છે. તે 6 પોઇન્ટ સાથે સાતમાં સ્થાને છે.