આઈપીએલ-2023માં શરૂ થવાને હવે થોડાક દિવસોની વાર છે. ટૂર્નામેન્ટ 31 માર્ચથી શરૂ થશે. આ વખતે આઈપીઅલમાં કેટલાક નવો નિયમો જોવા મળશે જેના કારણે મુકાબલા રોમાંચક બની રહેશે. બીસીસીઆઈ તરફથી જાહેર કરાયેલા નવા નિયમો પ્રમાણે આઈપીએલની ટીમના કેપ્ટન હવે ટોસ પહેલા ખેલાડીઓની નામની યાદી આપવાના બદલે ટોસ થયા પછી અંતિમ ઇલેવનની પસંદગી કરી શકશે.
ટોસ પછી જો કોઇ કેપ્ટનને લાગશે કે તેમણે પરિસ્થિતિ પ્રમાણે પોતાની અંતિમ ઇલેવનમાં ફેરફારની જરૂર છે તો તે મેચ શરુ થાય ત્યાં સુધી આવું કરવા માટે સ્વતંત્ર છે.
આઈપીએલની આ સિઝનમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નવો નિયમ પણ છે. આ નવા નિયમ પ્રમાણે ટોસ સમયે ટીમે તેમની પ્લેઈંગ ઈલેવન સાથે 4 વૈકલ્પિક ખેલાડીઓના નામ આપવાના રહેશે. મેચ દરમિયાન કેપ્ટન તે 4 ખેલાડીઓમાંથી કોઈપણ એકને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરી શકે છે.
આ પણ વાંચો – દક્ષિણ આફ્રિકાના ખેલાડી શરૂઆતી 5 મેચમાં નહીં હોય ઉપલબ્ધ, ગુજરાત ટાઇટન્સ સહિત 6 ટીમોને ફટકો
શું છે પાંચ રનની પેનલ્ટી
પ્લેઇંગ ઇલેવન સાથે જોડાયેલ નિયમ સિવાય એક મોટો ફેરફાર પેનલ્ટી રનને લઇને પણ કરવામાં આવ્યો છે. મેચમાં જો કોઇ ટીમના વિકેટકીપર અને ફિલ્ડર દ્રારા બિનજરૂરી મૂવમેન્ટ કરવામાં આવશે તો આવી સ્થિતિમાં ડેડ બોલ આપવામાં આવશે અને ટીમ પર પાંચ રનની પેનલ્ટી લગાવવામાં આવશે.
આ સિવાય જો કોઇ ટીમ નિયત સમયમાં પોતાની ઓવરો પુરી કરી શકશે નહીં તો તેના પર ઓવરની પેનલ્ટી જશે. આ દરમિયાન 30 ગજના સર્કલની બહાર ફક્ત ચાર ખેલાડીઓને જ રાખવાની મંજૂરી રહેશે.