scorecardresearch

આઈપીએલ 2023: દક્ષિણ આફ્રિકાના ખેલાડી શરૂઆતી 5 મેચમાં નહીં હોય ઉપલબ્ધ, ગુજરાત ટાઇટન્સ સહિત 6 ટીમોને ફટકો

IPL 2023: મોટાભાગના દક્ષિણ આફ્રિકાના ખેલાડી 3 એપ્રિલે પોત-પોતાની ટીમો સાથે જોડાશે, આઈપીએલ 31 માર્ચથી શરૂ થશે

IPL 2023 | SRH
IPL 2023 : સનરાઇઝર્સ હૈદરાબાદનો એડેન માર્કરામ (Pics – Twitter)

ઇન્ડિયન પ્રીમિયર લીગ 31 માર્ચથી શરૂ થવાની છે. દક્ષિણ આફ્રિકાના ખેલાડી કાગિસો રબાડા, એનરિચ નોર્ખિયા, ડેવિડ મિલર અને એડેન માર્કરામ સહિત મોટાભાગના દક્ષિણ આફ્રિકાના ખેલાડી 3 એપ્રિલે પોત-પોતાની ટીમો સાથે જોડાશે. ત્યા સુધી ટૂર્નામેન્ટની 5 મેચો રમાઇ ગઇ હશે. તેનાથી ગત વખતની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સહિત 6 ટીમોને ફટકો પડ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સૌથી વધારે પ્રભાવિત થશે. કેપ્ટન એડન માર્કરામ સહિત 3 ખેલાડી ઉપલબ્ધ રહેશે નહીં.

ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ કેમ કર્યો નિર્ણય

ઇએસપીએનક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ બીસીસીઆઈને જાણકારી આપી છે કે તે પોતાના બધા શીર્ષ ખેલાડીઓને માર્ચના અંતમાં નેધરલેન્ડ સામે શરૂ થતી બે મેચની ઘરેલું વન-ડે શ્રેણી માટે ઉપલબ્ધ રહેવા ઇચ્છે છે. સીએસએએ આ પગલું એટલા માટે ઉઠાવ્યું છે કારણ કે આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર 2023 વન-ડે વર્લ્ડ કપ માટે સીધા ક્વોલિફાય કરવા માટે દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં નેધરલેન્ડને હરાવવું પડશે.

આ પણ વાંચો – શુક્રવારથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે શ્રેણી, પેટ કમિન્સ ભારત આવશે નહીં, સ્ટિવ સ્મિથ સંભાળશે કેપ્ટનશિપ

31 માર્ચ અને 2 એપ્રિલે દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે મેચ

નેધરલેન્ડે આ સપ્તાહે ઝિમ્બાબ્વે સામે શ્રેણી માટે મજબૂત ટીમ પસંદ કરી છે. આ પછી દક્ષિણ આફ્રિકા સામે વન-ડે મેચ રમાશે. બન્ને શ્રેણી વન-ડે સુપર લીગનો ભાગ છે. 31 માર્ચ અને 2 એપ્રિલે દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ્સ વચ્ચે મેચ રમાશે. આઈપીએલની વાત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ શરૂઆતની મેચમાં ન આવવાથી સનરાઇઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ પર અસર પડશે.

આ ખેલાડી નહીં રહે ઉપલબ્ધ

સનરાઇઝર્સ હૈદરાબાદનો એડેન માર્કરામ, હેનરિક ક્લાસેન અને મોર્કો યેનસેન, દિલ્હી કેપિટલ્સનો એનરિખ નોર્ખિયા, લુંગી એનગિડી, મુંબઈ ઇન્ડિયન્સનો ટ્રિસ્ટન સ્ટબ્સ અને સંભવત ડેવાલ્ડ બ્રેવિસ, ગુજરાતના ટાઇટન્સનો ડેવિડ મિલર, લખનઉ સુપર જાયન્ટ્સનો ક્વિન્ટોન ડી કોક, પંજાબ કિંગ્સના કાગિસો રબાડા શરૂઆતની મેચમાં ઉપલબ્ધ રહેશે નહીં.

Web Title: Ipl 2023 south african players to miss first 5 matches

Best of Express