IPL 2023 : આઈપીએલ 2023ની શરૂઆત પહેલા મિની હરાજીમાં બધી ફ્રેન્ચાઇઝીઓએ વિદેશી અને દેશી ખેલાડીઓને ઘણા ઊંચા ભાવે ખરીદ્યા હતા. હવે ટૂર્નામેન્ટની શરૂઆત થઇ ગઇ છે અને લગભગ બધી ટીમોએ 3-3 મેચો રમી લીધી છે. મોંઘા ખેલાડીઓ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. તે સફેદ હાથી સાબિત થઇ રહ્યા છે. આઈપીએલ 2023ની મિની હરાજીમાં સૌથી મોંઘા વેચાનાર અત્યાર સુધી ખાસ ઝળકી શક્યા નથી. આવામાં ફ્રેન્ચાઇઝીને ખોટ થઇ રહી છે.
સૌથી મોંઘો વેચાયો હતો સેમ કરન પણ પ્રદર્શન સાવ ખરાબ
મિની હરાજીમાં સૌથી મોંઘો વેચાનાર ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન ફ્લોપ ખેલાડીઓના લિસ્ટમાં સૌથી ઉપર છે. સેમ કરન પંજાબ કિંગ્સનો સભ્ય છે. ફ્રેન્ચાઇઝીએ તેને 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે આ ખેલાડી અપેક્ષા પ્રમાણે ઝળકી શક્યો નથી. કરન આઈપીએલ 2023માં અત્યાર સુધી 3 મેચ રમ્યો છે જેમાં તેણે 26 રન બનાવ્યા છે અને 1 વિકેટ ઝડપી છે.
13.25 કરોડ રૂપિયામાં વેચાયો હતો હેરી બ્રુક
પોતાની ફ્રેન્ચાઇઝીને ખોટ કરાવનાર ખેલાડીઓમાં બીજુ નામ સનરાઇઝર્સ હૈદરાબાદના હેરી બ્રુકનું છે. જેને કાવ્યા મારને 13.25 કરોડ રૂપિયાની બોલી લગાવી ખરીદ્યો હતો. આ ખેલાડીની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા હતી. જોકે હૈદરાબાદે પોતાની ટીમમાં સામેલ કરવા માટે રાજસ્થાન રોયલ્સ સાથે ટક્કર ઝીલી હતી. રાજસ્થાન રોયલ્સે બ્રુક પર 13 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી. ઇંગ્લેન્ડનો આ યુવા પ્લેયર હજુ સુધી આઈપીએલમાં ખાસ કમાલ કરી શક્યો નથી. બ્રુકે 3 મેચમાં ફક્ત 29 રન બનાવ્યા છે. આ હિસાબથી હૈદરાબાદને અત્યાર સુધી બ્રુકના 29 રન 2.84 કરોડ રૂપિયામાં પડ્યા છે.
આ પણ વાંચો – આ વખતે આ બોલર છે પર્પલ કેપની રેસમા, જાણો 2008થી 2022 સુધીમાં કોણે-કોણે જીતી છે આ કેપ
બેન સ્ટોક્સે બદલી ટીમ પણ પ્રદર્શન ના સુધર્યું
ઇંગ્લેન્ડને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર બેન સ્ટોક્સને મિની હરાજીમાં ચેન્નઇ સુપર કિંગ્સે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે હરાજીમાં ત્રીજો સૌથી મોંઘો ખેલાડી હતો. જોકે ટીમ બદલ્યા પછી પણ તેનું પ્રદર્શન સુધર્યું નથી. સ્ટોક્સ આઈપીએલમાં બે મેચ રમ્યો છે, જેમાં તેણે 15 રન બનાવ્યા છે અને એકપણ વિકેટ ઝડપી શક્યો નથી. બેન સ્ટોક્સ ઇજાના કારણે આગામી કેટલીક મેચોમાં ટીમમાંથી બહાર થઇ ગયો છે. આવામાં ચેન્નઇને બેવડો ફટકો પડ્યો છે.
કેમરુન ગ્રીન પણ રહ્યો છે ફ્લોપ
આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરુન ગ્રીનનું નામ પણ છે. ગ્રીનને મિની હરાજીમાં મુંબઈ ઇન્ડિયન્સે 17.50 કરોડની રકમ આપીને ખરીદ્યો હતો. ગ્રીન આઈપીએલમાં અત્યાર સુધી આઈપીએલની 2 મેચમાં 17 રન જ બનાવી શક્યો છે. તેણે એક વિકેટ ઝડપી છે. ગ્રીન ગત સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો.





