રોયલ ચેલેન્જર્સ બેંગલોરના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ ટી-20 ક્રિકેટ, પોતાની પસંદ-નાપસંદ સાથે આઈપીએલને લઇને એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઘણા રસપ્રદ ખુલાસા કર્યા છે. વિરાટ કોહલીએ ચેન્નઇ સુપર કિંગ્સના પ્લેયર અંબાતી રાયડુને ઇન્ડિયન પ્રીમિયર લીગનો ઓલ ટાઇમ મોસ્ટ અંડરરેટેડ ખેલાડી ગણાવ્યો છે. રાયડુ સીએસકે ટીમનો સભ્ય છે અને આ વખતે પણ એમએસ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઇ તરફથી રમી રહ્યો છે.
મલિંગા અને ડી વિલિયર્સને આઈપીએલના ઓલ ટાઇમ ગ્રેટ પ્લેયર ગણાવ્યા
વિરાટ કોહલીએ જિયો સિનેમા પર આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે ટી 20 ક્રિકેટમાં તેને પૂલ શોટ લગાવવો સૌથી વધારે પસંદ છે. તો તેણે લીગના ઓલ ટાઇમ ગ્રેટ ખેલાડી એમએસ ધોની કે રોહિત શર્માને નહીં પણ દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સ અને શ્રીલંકાના પૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગાને ગણાવ્યા હતા. ડી વિલિયર્સ ઘણા સમય સુધી આઈપીએલમાં આરસીબી તરફથી રમ્યો તો મલિંગા લાંબા સમયથી મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો સભ્ય રહ્યો હતો.
વિરાટ કોહલીએ શેન વોટ્સનને આઈપીએલ ઇતિહાસનો સૌથી બેસ્ટ ઓલરાઉન્ડર ગણાવ્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે કોઇ પૂર્વ ક્રિકેટર જેને તે આઈપીએલનો ભાગ બનવા જોવા માંગશે તો વિરાટે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમના પૂર્વ આક્રમક ક્રિકેટર વિવિયન રિચર્ડ્સનું નામ લીધું હતું. કોહલીને પૂછવામાં આવ્યું કે તમે કોઇ ફિલ્મમાં પોતાનો રોલ ભજવવા માટે કોને કાસ્ટ કરશો તો કોહલીએ હસતા-હસતા પોતાનું નામ લીધું હતું. જો કોહલી પર બાયોપિક બને તો તે ઇચ્છે છે કે પોતાનો રોલ સિલ્વર સ્ક્રીન પર તે પોતે જ પ્લે કરે.
આ પણ વાંચો – વીરેન્દ્ર સેહવાગને છતાવી રહ્યો છે એમએસ ધોની પર પ્રતિબંધ લાગવાનો ડર
સીએસકે સામે રમવું સૌથી વધારે પસંદ
વિરાટ કોહલીએ જણાવ્યું કે તેને સીએસકે સામે રમવાનું સૌથી વધારે પસંદ છે કારણ કે આ ટીમનો ફેન બેઝ ગજબનો છે અને આ ટીમ સામે રમવું હંમેશા રોમાંચકારી રહે છે. કોહલીએ જણાવ્યું કે આઈપીએલમાં તેની અત્યાર સુધીની બેસ્ટ મોમેન્ટ 2016માં આવી હતી. જ્યારે તેની ટીમે દિલ્હી સામે મેચ જીતીને ક્વોલિફાય કર્યું હતું. તેણે ટી-20 ક્રિકેટમાં સુનીલ નારાયણ કરતા રાશિદ ખાનને વધારે સારો સ્પિનર ગણાવ્યો છે. કોહલીને પૂછવામાં આવ્યું કે ત્રણ એવા નોન ક્રિકેટર જેને તે ડિનર પર બોલવવા માંગશે તો તેણે ક્રિસ્ટીયાનો રોનાલ્ડો, રોજર ફેડરર અને માઇકલ જોર્ડનનું નામ લીધું હતું.
કોહલી ધોની પાસેથી શું ઉધાર લેવા માંગે છે
કોહલીને પૂછવામાં આવ્યું કે ધોની પાસેથી શું ઉધાર લેવા માંગે છે. તો કોહલીએ જવાબ આપ્યો કે તે ધોનીની પિંડલી (Calves)માંગશે. સાથે ધોની પાસેથી શું ચોરી કરવા માંગશે તો તેણે કહ્યું કે માહીનું માનસિક સંતુલન ચોરી કરવા માંગશે.