IPL 2023: આઇપીએલ 2022 ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સની ટીમ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં આઇપીએલ 2023 માટે પણ હોટ માનવામાં આવે છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પણ ભારે ચર્ચામાં છે, ત્યારે કોચ આશીષ નેહરાએ હાર્દિકની કેપ્ટનશીપ અંગે મોટો ખુલાસો કર્યો છે.
આઇપીએલની ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ આ વર્ષે પણ ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર છે. ગુજરાતે ગત વર્ષે આઇપીએલમાં એન્ટ્રી કરી હતી અને પહેલી સિઝનમાં જ ટ્રોફી જીતી ડંકો વગાડ્યો હતો. જીતનો સૌથી મોટો શ્રેય કેપ્ટન હાર્દિક પંડ્યાને નામ રહ્યો હતો. હાર્દિકની સાથોસાથ ટીમના હેડ કોચ આશીષ નહેરાને પણ જીતના બાજીગર તરીકે ક્રેડિટ આપવામાં આવી હતી.
ગુજરાતને આઇપીએલ ટ્રોફી જીતાડ્યા બાદ હાર્દિક પંડ્યાને ભારતીય ટીમનું નેતૃત્વ કરવાનો પણ મોકો આપવામાં આવ્યો હતો. હાર્દિકમાં રહેલી કેપ્ટનશીપની કાબેલિયતને કોચ આશીષ નહેરાએ જાણી હતી.
ગુજરાત ટાઇટન્સના પોડકાસ્ટ શોના પહેલા એપિસોડમાં આશીષ નહેરાએ જણાવ્યું કે, હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવા અંગેની જાણકારી તેમણે જ ફોન કરીને તેને આપી હતી. નેહરાએ કહ્યું કે, મેં જ ફોન કરી હાર્દિક ને જણાવ્યું હતું કે, તે ટીમનો કેપ્ટન બનવા જઇ રહ્યો છે અને તે નેતૃત્વ કરવા માટે પણ સજ્જ હતો. નેહરાએ કહ્યું કે, કપ્તાનીને લઇને હાર્દિક પંડ્યા ઘણો ઉત્સુક હતો અને આવા લોકોમાં જો આવી ઇચ્છા હોય તો તેઓ આસમાનની ઉંચાઇ સુધી જઇ શકે છે.
હાર્દિકમાં અહંકરા નથી – આશીષ નહેરા
ગુજરાત ટાઇટન્સ પોડકાસ્ટના આ શોમાં હોસ્ટ કરી રહેલા ગૌરવ કપૂરે આશીષ નહેરાને પુછ્યું કે, હાર્દિક પંડ્યાને કેપ્ટન બનવા માટે કોણે પ્રેરિત કર્યો હતો? અને આ નિર્ણય પાછળ શું કારણ હતું? ગૌરવ કપૂરના આ સવાલનો જવાબ આપતાં આશીષ નહેરાએ કહ્યું કે, અમે આ વાત જાણતા હતા કે હાર્દિકે કપ્તાની કરી છે અને એની અંદર લિડરશીપની ક્વોલિટી છે. અમે એ પણ જાણતા હતા કે તે હંમેશા પ્લેઇિંગ ઇલેવનમાં રહેશે. નેહરાએ એ પણ જણાવ્યું કે, હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ ગેરી કર્સ્ટન અને વિક્રમ સોલંકી સાથે પણ વાતચીત કરવા તૈયાર હતા. આ ખેલાડીમાં સૌથી ખાસ વાત એ છે કે એનામાં અહંકાર નથી.
આ પણ વાંચો – આઈપીએલ 2023 : ગુજરાત ટાઇટન્સનો સતત બીજો વિજય, દિલ્હી કેપિટલ્સને હરાવ્યું
આશીષ નહેરાએ વધુમાં એ પણ કહ્યું કે, હાર્દિક પંડ્યાને જ્યારે કેપ્ટન નિયુક્ત કરવામાં આવી રહ્યો હતો ત્યારે સૌથી મોટી ચિંતા એની ફિટનેસની હતી. કારણ કે એ વખતે હાર્દિક પંડ્યા ઇજાથી રિકવર થઇ પરત આવ્યો હતો. એટલે કેપ્ટનશિપ હાર્દિક પંડ્યા માટે પણ એક મોટો પડકાર હતો. પરંતુ હાર્દિકે ડર્યા વિના અને પૂર્ણ ધૈર્ય સાથે આ જવાબદારીને બખૂબી નિભાવી. નેહરાએ એ પણ કહ્યું કે, હું જ્યારે મારા કેરિયરની અંતિમ મેચ રમી રહ્યો હતો એ વખતે હાર્દિકે ટીમ ઇન્ડિયા માટે રમવાનું શરૂ કર્યું હતું હું હાર્દિકને એ વખતથી જાણું છું અને એની સાથે સારા સંબંધ છે.