IPL 2024 Mumbai Indians Players Dilshan Madushanka Injured : આઈપીએલ 2024 (ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024) ની શરૂઆત પહેલા હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ)ને મોટો ઝટકો લાગ્યો છે. શ્રીલંકાનો ફાસ્ટ બોલર દિલશાન મદુશંકા હેમસ્ટ્રિંગની ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની આખરી વન ડેમાંથી બહાર થઈ ગયો છે. ટેસ્ટ સિરિઝમાં પણ તેની પસંદગી કરવામાં આવશે નહીં. શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે તેના સ્વદેશ પરત ફરવાની જાણકારી આપી છે.
મુંબઇ ઇન્ડિયન્સે ડિસેમ્બર 2023 માં હરાજીમાં શ્રીલંકાના પેસરને 4.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આવી સ્થિતિમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે આ એક મોટો ઝટકો છે. જોકે તેની ઈજા હજુ કેટલી ગંભીર છે તે જાણી શકાયું નથી. રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે તે કેટલી મેચો નહીં રમી શકે. વન-ડે વર્લ્ડકપ 2023માં મદુશંકાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આથી તેની આઇપીએલમાં આટલી ઉંચી બોલી લગી હતી.
દિલશાન મદુશંકાનું શાનદાર પર્ફોમન્સ
દિલશાન મદુશંકાએ શ્રીલંકાની બાંગ્લાદેશ સામેની મેચમાં શાનદાર પર્ફોમન્સ કર્યું હતુ. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની વિકેટ ઝડપવામાં મદુશંકાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે લિટન દાસ અને કેપ્ટન નઝમુલ હસન શાંતો બંનેની વિકેટ લીધી હતી. સૌમ્યા સરકારનો શાનદાર કેચ પકડ્યો હતો. તે 26મી ઓવરમાં ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે મેદાનની બહાર જતો રહ્યો હતો અને બોલિંગ કરવા આવ્યો નથી. ફાસ્ટ બોલરે 6.4 ઓવર નાંખી હતી. આમાં તેણે બે વિકેટ ઝડપીને માત્ર 30 રન આપ્યા હતા.
આ પણ વાંચો | હાર્દિક પંડ્યાના ગુજરાત ટાઇટન્સ છોડવા પર ટીમના કોચ આશિષ નેહરાએ આપ્યો આવો જવાબ
મુંબઈ ઈન્ડિયન ની ગુજરાત ટાયટન્સ સામે પ્રથમ મેચ
મુંબઈ ઈન્ડિયન્સ પોતાની પ્રથમ મેચ 24 માર્ચે ગુજરાત ટાઈટન્સ (જીટી) સામે રમશે. એટલે કે કેપ્ટન હાર્દિક પંડ્યાની પ્રથમ ટેસ્ટ તેની જૂની ફ્રેન્ચાઇઝી સામે થશે. હાર્દિકની કેપ્ટન્સીમાં ગુજરાતની ટીમે બે વખત ફાઈનલ મેચ રમી હતી. આઈપીએલ 2022માં ટીમ પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બની હતી. મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાયન્સ પાસેથી ખરીદ્યો છે. આ સાથે તેને રોહિત શર્માના સ્થાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.





