ipl 2024 playoff qualification scenario : આઈપીએલ 2024માં રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સ સામે વિજય મેળવ્યો હતો. આ મેચ બાદ પ્લેઓફની રેસ રસપ્રદ બની ગઇ છે. આરસીબીએ સતત 5 મેચ જીતીને પ્લેઓફની આશા જીવંત રાખી છે. હવે લીગ સ્ટેજમાં જ એલિમિનેટર જોવા મળી શકે છે. બેંગ્લોરની જીતથી દિલ્હીની સાથે સાથે ચેન્નાઈ સુપર કિંગ્સનું પણ ટેન્શન વધી ગયું છે. સાથે જ ગુજરાત ટાઇટન્સ પણ રેસમાં યથાવત છે.
આઈપીએલ 2024માં 62 મેચ થઈ છે અને માત્ર 1 ટીમ (કોલકાતા નાઇટ રાઇડર્સ) પ્લેઓફમાં જગ્યા પાક્કી કરી શકી છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ પ્લેઓફનું સંપૂર્ણ ગણિત.
કોલકાતા નાઇટ રાઈડર્સ
કોલકાતા નાઈટ રાઈડર્સના 12 મેચમાં 18 પોઇન્ટ છે અને તેણે પ્લેઓફમાં ક્વોલિફાય કરી લીધું છે. કેકેઆર 2024ની સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. તે બાકી બચેલી બે મેચમાં વિજય મેળવી નંબર વન કે નંબર બે પર રહેવાનો પ્રયત્ન કરશે. જેથી તેને ફાઇનલમાં પહોંચવા માટે બે તક મળી શકે.
રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાન રોયલ્સ 12 મેચમાં 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે. રાજસ્થાનનો નેટ રનરેટ (+0.349) ચેન્નાઈ સુપર કિંગ્સ (+0.528) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (+0.406) કરતાં પણ ખરાબ છે. જો તેઓ આગામી બે મેચ હારે, સીએસકે તેની છેલ્લી મેચ જીતે અને હૈદરાબાદ તેની છેલ્લી બે મેચમાંથી ઓછામાં ઓછી એક મેચ જીતે, તો રાજસ્થાન ટોચની બે મેચમાંથી બહાર થઈ શકે છે. આ સ્થિતિમાં લખનઉ સુપર જાયન્ટ્સને પ્લેઓફમાં પહોંચવાની સંભાવના રહેશે. જોકે કેએલ રાહુલની ટીમે મોટી જીત નોંધાવવી પડશે. લખનઉનો રનરેટ (-0.769) ઘણો નબળો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ
ચેન્નાઈ સુપર કિંગ્સના 13 મેચમાં 14 પોઈન્ટ છે. તેને પોતાની છેલ્લી મેચ બેંગલુરુ સામે રમવાની છે. જો ચેન્નાઈ આ મેચ જીતશે તો તે ક્વોલિફાય થઈ જશે. જો તેઓ હારી જાય તો પણ તેઓ પ્લે ઓફમાં પહોંચી શકે છે. હારવા પર તેના 14 પોઇન્ટ રહેશે. જોકે આ પછી જો અને તો પર આધાર રાખવો પડશે. જેમાં બેંગલુરુનો રનરેટ તેનાથી સારો ન હોવો જોઈએ. જો દિલ્હી તેની છેલ્લી મેચ જીતે છે, તો પછી તેની રન રેટ સારી ના હોય. ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર કબજો જમાવી શકે છે, પરંતુ તેના માટે તેણે આરસીબી સામે જીતવું પડશે અને આશા રાખવી પડશે કે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ બંને પોતાની આગામી બે મેચ હારે.
સનરાઇઝર્સ હૈદરાબાદ
સનરાઇઝર્સ હૈદરાબાદના 12 મેચમાં 14 પોઇન્ટ છે. જો તે બંને મેચ હારે તો જ પ્લેઓફમાંથી પત્તુ કપાઇ શકે છે. તેનો રનરેટ ઘણો સારો છે. આવી સ્થિતિમાં 16 પોઇન્ટ બાદ પણ જો તેને મોટી હાર મળશે તો જ તે પ્લેઓફમાં બહાર થશે. તેનો રનરેટ નેગેટિવમાં જાય તો જ તેને મુશ્કેલી આવશે.
આ પણ વાંચો – અજીબ પ્રકારે રન આઉટ થયો રવિન્દ્ર જાડેજા, આઈપીએલમાં આવી રીતે આઉટ થનાર ત્રીજો ખેલાડી બન્યો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
આઈપીએલ 2024માં રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સ સામે વિજય મેળવ્યો હતો. આ મેચ બાદ પ્લેઓફની રેસ રસપ્રદ બની ગઇ છે. આરસીબીએ સતત 5 મેચ જીતીને પ્લેઓફની આશા જીવંત રાખી છે. આરસીબીના હાલ 13 મેચમાં 12 પોઇન્ટ છે. તેને હવે એક મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રમવાની છે. જેમાં જીત મેળવવી જરૂરી છે. તે જીત મેળવશે તો તેના 14 પોઇન્ટ થશે. આ સિવાય તેની બાકીની ટીમો ઉપર પણ આધાર રાખવો પડશે. જો તે હારી જશે તો તેની સફર પુરી થઇ જશે.
દિલ્હી કેપિટલ્સ
દિલ્હી કેપિટલ્સના 13 મેચમાં 12 પોઇન્ટ છે. તેને લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં જીત મેળવવી જરૂરી છે. આ ઉપરાંત રનરેટ પણ ચેન્નાઈ અને બેંગાલુરુ કરતાં સારો કરવો પડશે. તેનો રનરેટ ગુજરાત અને લખનઉ કરતા સારો છે. જીત મેળવીને પણ દિલ્હી પણ જો અને તો ના ગણિતમાં ફસાશે.
લખનૌ સુપર જાયન્ટ્સ
લખનૌ સુપર જાયન્ટ્સના 12 મેચમાં 12 પોઇન્ટ છે. તેનો નેટ રનરેટ એકદમ ખરાબ છે. કેએલ રાહુલની ટીમે પોતાની બંને મેચ મોટા અંતરથી જીતવી પડશે. આશા રાખીએ કે ચેન્નાઈ સુપર કિંગ્સ તેની છેલ્લી મેચ હારી જાય. જો સનરાઇઝર્સ હૈદરાબાદ પણ બંને મેચ હારે તો તેમનો રસ્તો આસાન થઇ શકે છે. જોકે સંભાવના ઘણી ઓછી છે.
ગુજરાત ટાઇટન્સ
ગુજરાત ટાઇટન્સના 12 મેચમાં 10 પોઇન્ટ છે. પ્લેઓફમાં પહોંચવા માટે તેને બાકી બચેલી બન્ને મેચ જીતવી પડશે. કોલકાતા અને સનરાઇઝર્સને હરાવવું પડશે. બન્ને મેચમાં જીત મેળવે તો પણ તેના 14 પોઇન્ટ થાય. તેના માટે ફક્ત જીત જ નહીં મોટા અંતરથી જીત જરૂરી છે. તેનો રનરેટ નેગેટિવ છે. આ પછી પ્લે ઓફમાં પહોંપહોંચવા માટે તેણે જો અને તો પણ આધાર રાખવો પડશે.
મુંબઈ ઈન્ડિયન્સ
મુંબઈ ઇન્ડિન્સના 13 મેચમાં 8 પોઇન્ટ છે અને તેની પ્લેઓફમાં પહોંચવાની આશા સમાપ્ત થઇ ગઇ છે. મુંબઈ અંતિમ મેચમાં લખનૌ સામે રમશે. તે જીત મેળવી લખનૌની બાજી બગાડી શકે છે.
પંજાબ કિંગ્સ
પંજાબ કિંગ્સના 12 મેચમાં 8 પોઈન્ટ છે. તેની પ્લેઓફમાં પ્રવેશવાની આશાનો અંત આવ્યો છે. તેણે હવે રાજસ્થાન અને હૈદરાબાદ સામે મેચ રમવાની છે. આ બન્ને મેચમાં જીત મેળવી તે પોતાની થોડી ઘણી પ્રતિષ્ઠા બચાવવા પ્રયત્ન કરશે.





