Indian Cricket Team 2023 Schedule: બાંગ્લાદેશનો પ્રવાસ ખતમ થવાની સાથે જ ભારતીય ક્રિકેટ ટીમ 2022માં હવે એકપણ મેચ રમશે નહીં. ખેલાડી થોડા દિવસો માટે આરામ કરશે અને નવા વર્ષની ઉજવણી કરશે. આ પછી શ્રીલંકા સામે શ્રેણી રમી ભારતીય ક્રિકેટ ટીમ 2023ના વર્ષની શરૂઆત કરશે. આ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમનું આખું વર્ષ વ્યસ્ત રહેશે. અમે તમને ટીમ ઇન્ડિયાનો 2023ના વર્ષનો કાર્યક્રમ જણાવી રહ્યા છીએ.
3 જાન્યુઆરીથી ભારત શ્રીલંકા સામે રમી નવા વર્ષની શરૂઆત કરશે
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 જાન્યુઆરીથી શ્રેણીનો પ્રારંભ થશે. બન્ને વચ્ચે 3 વન-ડે અને 3 ટી-20 મેચ રમાશે. આ શ્રેણી 15 જાન્યુઆરીએ સમાપ્ત થશે. આ પ્રવાસ સમાપ્ત થવાના ત્રણ દિવસ પછી ન્યૂઝીલેન્ડની ટીમ ભારત આવશે. બન્ને વચ્ચે 3 ટી-20 મેચ અને 3 વન-ડે રમાશે. આ પ્રવાસ 1 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. આઠ દિવસના બ્રેક પછી ઓસ્ટ્રેલિયા સામે મહત્વપૂર્ણ શ્રેણી રમાશે. 4 ટેસ્ટ મેચની શ્રેણી સાથે પ્રવાસની શરૂઆત થશે. આ પછી 24 માર્ચથી ત્રણ મેચની વન-ડે શ્રેણી રમાશે.
આઈપીએલમાં વ્યસ્ત બનશે
ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની સમાપ્તિ પછી ખેલાડીઓએ આઈપીએલ માટે તૈયાર રહેવું પડશે. આઈપીએલનો કાર્યક્રમ હજુ જાહેર થયો નથી પણ એપ્રિલમાં પ્રથમ સપ્તાહમાં રમાય તવી સંભાવના છે. લગભગ અઢી મહિના આઈપીએલમાં વ્યસ્ત રહેશે. જો ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચશે તો આ માટે ફાઇનલ મુકાબલો રમવા માટે ઇંગ્લેન્ડ જશે. જુલાઇ-ઓગસ્ટમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જશે. જ્યાં 2 ટેસ્ટ, 3 વન-ડે અને 3 ટી-20 મેચ રમશે.
આ પણ વાંચો – 2022માં ટેસ્ટમાં રન બનાવવાના મામલે વિરાટ કોહલી અને કેએલ રાહુલ કરતા અશ્વિન આગળ
સપ્ટેમ્બરમાં એશિયા કપ
સપ્ટેમ્બરમાં ભારતીય ટીમ એશિયા કપમાં રમશે. એશિયા કપની યજમાની પાકિસ્તાનને મળેલી છે. જોકે હાલ આ ટૂર્નામેન્ટ ક્યાં રમાશે તે નક્કી નથી.
ઓક્ટોબર- નવેમ્બરમાં ભારતમાં યોજાશે વન-ડે વર્લ્ડ કપ
એશિયા કપની સમાપ્તિ પછી ભારતીય ટીમ વન-ડે વર્લ્ડ કપમાં રમશે. વર્લ્ડ કપનું આયોજન 10 ઓક્ટોબરથી 26 નવેમ્બર વચ્ચે ભારતમાં કરવામાં આવ્યું છે.
ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે
વન-ડે વર્લ્ડ કપ પછી નવેમ્બર-ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતમાં 5 મેચની ટી-20 શ્રેણી રમવા આવશે. ત્યારબાદ ડિસેમ્બર 2023થી જાન્યુઆરી 2024 દરમિયાન ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. જ્યાં 2 ટેસ્ટ, 3 વન-ડે અને 3 ટી 20 મેચ રમશે.
.