Jasprit Bumrah News : જસપ્રીત બુમરાહ ભારત અને શ્રીલંકા (IND vs SL)વચ્ચે મંગળવારને 10 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં રમશે નહીં. ક્રિકબઝે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના હવાલાથી લખ્યું કે બુમરાહને હાલ મેદાનમાં નહીં ઉતારવાનો નિર્ણય કર્યો છે. બુમરાહ 9 જાન્યુઆરી 2023 સુધી ગુવાહાટી પહોંચ્યો નથી. જ્યારે ટીમ ઇન્ડિયાના અન્ય ખેલાડી પહેલા જ પહોંચી ગયા છે. ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વન-ડે ગુવાહાટીમાં રમાશે.
જોકે બીસીસીઆઈ તરફથી જસપ્રીત બુમરાહની વન-ડે શ્રેણીમાંથી બહાર થવાની જાહેરાત કરવામાં આવી નથી. એ જોવું રહેશે કે બીસીસીઆઈ શું આ વાતની ઔપચારિક જાહેરાત કરશે કે નહીં, કારણ કે માનવામાં આવે છે કે ટીમ મેનેજમેન્ટ એનસીએની સલાહ પર બુમરાહને હાલ ટીમમાં સામેલ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોએ કહ્યું કે તે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં સામેલ થઇ શકે છે. ભારત ન્યૂઝીલેન્ડ સામે 18 જાન્યુઆરીથી ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચની શ્રેણી રમવાનું છે.
શું કહ્યું હતું બીસીસીઆઈએ
બીસીસીઆઈએ પહેલા કહ્યું હતું કે બુમરાહને અખિલ ભારતીય પસંદગી સમિતિની ભલામણ પર વન-ડે શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ 3 જાન્યુઆરીએ જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને શ્રીલંકા સામે 3 મેચની વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરાયો છે.
આ પણ વાંચો – ભારત વિ. શ્રીલંકા ટી-20 મેચ: અર્શદીપ સિંહે 2 ઓવરમાં ફેંક્યા 5 નો બોલ, બનાવ્યો આવો શરમજનક રેકોર્ડ
જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બર 2022થી ક્રિકેટરથી દૂર છે
બીસીસીઆઈએ એ પણ કહ્યું હતું કે ફાસ્ટ બોલર બુમરાહ રિહૈબિલિટેશનથી પસાર થઇ ચૂક્યો છે અને એનસીએએ તેને ફિટ જાહેર કર્યો છે. તે જલ્દી ટીમ ઇન્ડિયામાં સામેલ થશે. બુમરાહ સપ્ટેમ્બર 2022થી ક્રિકેટથી દૂર છે. બુમરાહ પીઠની ઇજાના કારણે આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઇ ગયો હતો.
શ્રીલંકા સામે વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુજવેંન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.