સૂર્યકુમાર યાદવ સતત ત્રણ વન-ડેમાં શૂન્ય પર આઉટ થવા છતા કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનજમેન્ટ ભલે તેની સાથે ઉભું હોય પણ ક્રિકેટથી લઇને રાજનીતિની ગલિયારોમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં રાખવા અને ન રાખવાને લઇને ચર્ચા યથાવત્ છે. કોંગ્રેસ સાંસદ શશિ થરુરે અપ્રત્યક્ષ રુપથી સૂર્યકુમાર યાદવના સ્થાને સંજૂ સેમસનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાની માંગણી કરી છે. જોકે વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવની સલાહ અલગ છે. તેમની નજરમાં સૂર્યકુમાર યાદવને હજુ વધારે તક મળવી જોઈએ.
કપિલ દેવનું કહેવું છે કે ભારતીય સ્ટાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવની સરખામણી વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસન સાથે કરવી જોઈએ નહીં. કપિલ દેવે એ પણ સવાલ કર્યો કે જો સેમસન ખરાબ સમયમાં પસાર થાય તો શું આપણે કોઇ અન્ય ખેલાડીને પ્લેઇંગ સામેલ કરવાની વાત કરીશું?
કપિલ દેવે એબીપી ન્યૂઝના એક શો માં કહ્યું કે એક ક્રિકેટર જે સારું રમ્યો છે તો તેને હંમેશા વધારે તકો મળશે. સૂર્યાની સરખામણી સંજૂ સેમસન સાથે ના કરો, આ યોગ્ય લાગતું નથી. જો સંજૂ ખરાબ ફોર્મમાં હોય તો શું તમે કોઇ અન્ય વિશે વાત કરશો.
સૂર્યકુમાર યાદવને વધારે તક મળવી જોઇએ – કપિલ દેવ
કપિલ દેવે કહ્યું કે જો ટીમ મેનજમેન્ટે સૂર્યકુમાર યાદવનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે તો તેને વધારે તક મળવી જોઈએ. હા લોકો વાત કરશે અને પોતાની સલાહ આપશે પણ આખરે આ ટીમ મેનેજમેન્ટનો નિર્ણય છે.
આ પણ વાંચો – વન-ડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ રમાશે!
સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની શ્રેણીમાં દરેક મેચમાં પ્રથમ બોલે શૂન્ય પર આઉટ થયો હતો. ચેન્નઇમાં ત્રીજી વન-ડેમાં સૂર્યકુમાર યાદવના બેટિંગ ઓર્ડર પણ બદલ્યો હતો (સાતમાં નંબરે મોકલ્યો હતો) પણ તેનું નસીબ બદલાયું ન હતું. ઘણા પૂર્વ ક્રિકેટર્સ અને અને સમીક્ષકોને લાગે છે કે આઉટ ઓફ ફોર્મ બેટ્સમેનને ડિમોટ કરવો યોગ્ય પગલું નથી, કારણ કે તેનાથી આત્મવિશ્વાસમાં કમી આવી શકે છે.
કોચ અને કેપ્ટને સમજી વિચારીને નિર્ણય લેવો પડશે – કપિલ દેવ
કપિલ દેવે ટીમ મેનેજમેન્ટના નિર્ણયનું સમર્થન કર્યું છે. કપિલ દેવે કહ્યું કે મેચ ખતમ થયા પછી વાત કરવી ઘણી આસાન છે. બની શકે કે સૂર્યકુમાર યાદવને નંબર 7 પર મોકલવા પાછળ તેને ફિનિશર તરીકે તક આપવા માંગતા હોય. વન-ડેમાં બેટિંગ ક્રમમાં ફેરફાર કોઇ નવી વાત નથી. આવું પહેલા પણ ઘણી વખત બની ચુક્યું છે.
કપિલ દેવે કહ્યું કે હા, ક્યારેક એવું બની શકે કે બેટ્સમેનનો આત્મવિશ્વાસ ડગી જાય પણ તે ખેલાડી પર નિર્ભર કરે છે કે તે પોતાના કેપ્ટનને બતાવે કે હું શીર્ષ ક્રમમાં પોતાને સંભાળી શકીશ. કોચ અને કેપ્ટને કશુંક વિચારીને જ નિર્ણય લીધો હશે.
સૂર્યકુમાર યાદવે વન-ડેમાં અત્યાર સુધી 24.05ની એવરેજથી 433 રન બનાવ્યા છે. જ્યારે સંજૂ સેમસને 11 મેચમાં 66ની એવરેજથી 330 રન બનાવ્યા છે. સેમસને થોડી મળેલી તકોમાં ભારત તરફથી એકદિવસીય ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે.